
🥀🥀
નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું
ધખતી બપોરમાં બળતું વેરાન બધે ઊના તે વાયરા ફૂંકાતાં
ભાદરવે તડકાનાં પૂર ચડ્યા એટલાં કે છાંયડાઓ જાય છે તણાતા!
બંધ કરું પોપચાં તો મળે સ્હેજ છાંયડી એટલે વેરાન નહીં છોડું
નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું
પીળચટ્ટા ગીતમાંથી ઊડીને પતંગિયાં આવળના ફૂલ થૈ છવાય!
આવળનાં ફૂલ પીળા રંગનાં ખાબોચિયાં એમાં વેરાન પડી ન્હાય!
આવા વેરાનને બાંધતાં દોરીને જેમ વગડાનું ગાન પડે થોડું
નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું
~ અનિલ જોશી (28.7.1940 – 26.2.2025)
🥀🥀
*ત્યાગ*
પેલ્લા પગથ્ય મારી ઓળખ મે‘લી
ને પછ બીજા પગથ્યે મેલ્યું ગામ.
ત્રીજા પગચ્ચે મેલ્યાં ગમતીલાં ખેતરાં
ને ચોથા પગથ્યે મેલ્યાં કામ.
પાચમાં પગથ્યે આખો દર્યો મેલ્યો
ને પછ છઠ્ઠા પગથ્યે મેલી હોડી
સાતમા પગથ્યે મીં તો હલ્લેસાં મેલ્યાં
ને આઠમા પગથ્યે મેલી કોડી.
નવમા પગથ્યે મેલી વીતકની પોટલી
ઈ ને દસમે પગથ્યે જોઈ
ઈગ્યાર્મે પગથ્યે મેલ્યું વાચાનું ડોળિયું
ને બારમે પગથ્યે હું રોઈ.
અનિલ જોશી (28.7.1940 – 26.2.2025)
🥀🥀
પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ
ધૂળીયા મારગ તો ક્યાંય દેખાય નહીં બંધ આંખ્યુમાં લીલો ઉઘાડ
અહીં પગલાં ને પગરવ તો ભોંયવટો ભોગવતાં, ગાડું ચાલ્યાના નથી ચીલા
ફૂલ જેમ ઓચિંતા ઊઘડી ગયા, મારી છાતીમાં ધરબ્યા જે ખીલા
છૂટાછવાયા ઘર ઉપર તડકાની જેમ પથરાયા ઘાસના ઓછાડ
પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ !
માનવીના બોલ ક્યાંય સંભળાતા નૈ, બધે પંખીના કલરવના ધોધ
દુર્વાસા મુનિ બધે પૂછતા ફરે, તમે જોયો છે ક્યાંય મારો ક્રોધ ?
મારી ચામડાની બેગમાં જંગલનાં સંપેતરાં પહોંચાડું કોને કમાડ ?
પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ !
~ અનિલ જોશી (28.7.1940 – 26.2.2025)
🥀🥀
પ્હાડ ફરીને પાછા વળતા પ્હાડ મૂકીને આવ્યા
પરોઢનું ઝાંખું અજવાળું ખાલી હાથે લાવ્યા
કુંજડીઓના હારબંધ ટહુકાની બારી ખુલ્લી
સૂર્ય ડોકિયું તાણે ત્યાં તો ઝળહળ ઝાકળ ઝૂલી
અંધકારનો ભણકારો થઇ ભમરો ફોરમ દોરે
સવારના ચહેરા પર બેસી અજવાળાને કોરે
કોરાતે અજવાળે ઊભાં રહીને પર્વત કાંખે
ખોબે ખોબે ધુમ્મસ પીધું પતંગિયાની પાંખે
ધુમ્મસ પીને ઝાંખીપાંખી એકલતાને ટેકે
ઢાળ ઊતરી ઊભાં આવીને પલાશ વનની મ્હેકે
પલાશવન તો જાય દોડતું ક્યાંય લગી હરણોમાં
પર્વત આખો થાકે મારા થંભેલા ચરણોમાં
મનમાં એવું થાય કે પૂગું પ્હાડ મૂકી સૂમસામ
અવાજના જંગલમાં ભટકે કવિ વિનાનું ગામ.
~ અનિલ જોશી (28.7.1940 – 26.2.2025)
🥀🥀
સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
છાના ઊગીને છાના ખરીએ, તમો આવો તો બે’ક વાત કરીએ…
ફાગણ ચાલે ને એનાં પગલાની ધૂળથી, નિંદર ઊડે રે સાવ કાચી
જાગીને જોયું તો ઊડે સવાલ, આ તે ભ્રમણા હશે કે વાત સાચી,
જીવતર આખ્ખુંય જાણે પાંચ સાત છોકરાં પરપોટા વીણતા દરિયે
સૂકી જુદાઇની ડાળ તણાં….
કેડીના ધોરિયે જંગલ ડૂબ્યાં, ને અમે કાંઠે ઊભા રહીને ગાતા
રાતા ગુલમહોરની યાદમાં ને યાદમાં આંસુ ચણોઠી થઇ જાતાં !
કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નૈ,
મરવા દીયે તો કોઇ મરીયે !
સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
છાના ઊગીને છાના ખરીએ તમો આવો તો બે’ક વાત કરીએ…
~ અનિલ જોશી (28.7.1940 – 26.2.2025)
શબ્દો, અવાજ અને ગીતો હવે કવિ વિના ભટકશે……
🙏🏻કવિના આત્માને વંદન🙏🏻

કવિ શ્રી ને શ્રધ્ધાંજલી સાહિત્ય જગત નો સિતારો ખરી પડ્યો
કવિના ગીતોનો લય એક અનેરા ભાવવિશ્વમાં ભાવકને પ્રવેશ કરાવે છે. એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના..
કવિ ને નમન.અને શ્રધાંજલિ
સદ્ગત કવિ સાહિત્યકાર અનિલ જોશી ને હાર્દિક શ્રધ્ધાંજલિ. નવી કવિતાઓ/ગીત મૂક્યાં એ ગમ્યું.
પીળચટ્ટા ગીતમાંથી ઊડીને પતંગિયાં આવળના ફૂલ થૈ છવાય! … અનિલ જોશી ને હાર્દિક શ્રધ્ધાંજલિ. કવિતાઓ/ગીત મૂક્યાં એ ગમ્યું.
કવિની દિવ્યચેતનાને વંદના.
પ્રકૃતિમાં જીવન ગાનારો કવિ હતો.તેમના કાવ્યો થકી સદા સ્મરણમાં રહેશે.