દેવિકા ધ્રુવ ~ અહીં જ બધું (કાવ્યસંગ્રહ)

🥀🥀    

‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે

‘અહીં જ બધું’ * દેવિકા રાહુલ ધ્રુવ * ગુર્જર 2024

🥀🥀

‘બસ આટલું’ – લતા હિરાણી

દેવિકાબહેન ધ્રુવની અછાંદસ રચનાઓ મળી. ત્રણ કાવ્યસંગ્રહો પછી આ ચોથો સંગ્રહ છે. શીર્ષક છે ‘અહીં જ બધું’. આ ‘અહીં જ બધું’માં દેવિકાબહેનનું ‘બધું’ જ છે. એમનાં જ કહેવા પ્રમાણે આ એમનો ‘સમગ્ર સંચય’ થયો. ખૂબ સરસ વાત છે. વ્યક્તિ પોતાની હયાતીમાં જ ‘સમગ્ર’ આપે એનાથી રૂડું શું? પરંતુ સમગ્ર આપીને અટકી નથી જવાનું દેવિકાબહેન! કલમ ચાલતી જ રહેવી જોઈએ. કલમના યાત્રીને તો માર્ગ એ જ મંઝિલ. પથનો સાથ અને અવિરત પ્રવાસ… એ જ નિયત, એમાં જ ખુશી. કોઈપણ સર્જક મારી વાત સાથે સમ્મત થશે.

દેવિકાબહેને મને એમની અછાંદસ કૃતિઓ વિશે લખવા કહ્યું છે. આજે બેસીને એકસાથે બધી જ કૃતિઓ જોઈ ગઈ. મારી ગણતરી પ્રમાણે લગભગ અઠ્ઠાવન ગદ્યકૃતિઓ છે. એમનું આ સમગ્ર લખાણ છે એટલે સંખ્યા આટલી થાય એ સ્વાભાવિક છે.

દેવી સરસ્વતીને અર્પણ થયેલ આ પુસ્તકમાં દેવિકાબહેને દરેક ગદ્યકૃતિને સરસ મજાનાં વિષયને અનુરૂપ શિર્ષકો આપ્યાં છે. મોટેભાગે પોતાના મનના પ્રવાહો આલેખવા ઉપરાંત આસપાસના જગતને પણ એમણે સરસ વણી લીધું છે, જેમ કે ‘ગોલ્ફ’, ‘રિમોટ કંટ્રોલ’, ‘હિમવર્ષા’, ‘સેવ ધ ડેટ’, ‘દૈનિક ધડાકા’ વગેરે…. સ્વાભાવિક છે કે આ બધી બાહ્ય ચીજો સાથે એમનું આંતરજગત વણાયેલું જ હોય. શરૂથી આખર સુધી તમામ કૃતિઓમાં દિલની ભાવનાઓ, હૃદયના તરંગો અને એમનું જીવનદર્શન વણાયેલાં છે. સંબંધોની જાળની સૃષ્ટિ પણ તેઓ કૃતિઓમાં લઈ આવ્યાં છે. પીડા, વિષાદ અને એકલતા તો કલમનું પ્રારંભિક બળ છે. અલબત્ત કૃતિઓનો સુવાંગ સૂર બધા મિશ્ર રંગોથી ભરેલો છે.

GPS કૃતિ વિશેષ સ્પર્શી. ખાસ કરીને એનો અંત કે ઈશ્વરે દરેકમાં જન્મથી જ GPS ગોઠવેલું છે પરંતુ આપણને એનું ભાન ક્યાં છે? સાચી વાત છે. આ ઈશ્વરીય GPS જો શરૂઆતથી દેખાઈ જાય અને એને અનુસરવાની મતિ સૂઝે તો જીવનયાત્રા ક્યારેય ખોટા રસ્તે ભટકે નહીં પરંતુ મોટાભાગના લોકોને આ GPSની જાણ થતાં થતાં જીવન પૂરું થવા આવે છે. સરસ વાત છે દેવિકાબહેન.

દેવિકાબહેન પ્રકૃતિને સતત સાથે રાખીને ચાલ્યા છે. પ્રભાત, સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, વૃક્ષો, ફૂલો, પાંદડા, નદી, સાગર, છીપલાં, ધુમ્મસ, પક્ષીઓ વગેરે એમની કૃતિઓમાં સહજ આવી વસ્યાં છે તો સંબંધોમાં માતા, માનસપુત્રી જેવાં શિર્ષકો મળી આવે છે. ‘યમરાજ’ને દોસ્ત કહીને એમણે આવકાર્યા છે અને પડકાર્યા પણ છે. કોરોના અને નવનિર્માણ એમની કૃતિઓના વિષય રહ્યાં છે. ભગવદગીતાની યાદ આપતા શીર્ષકો ‘વિષાદયોગ’ અને ‘યજ્ઞ’ પણ જોવા મળે છે. હા, કોઈ કોઈ કૃતિ માત્ર સુવાક્યોના સંચય જેવી ભાસી છે જે ટાળી શકાય. એકંદરે એમની પોતાની લાગણીઓ, ભાવના અને ચિંતનને એમણે સર્વ વિષયોના તારમાં બાંધ્યા છે એ સરસ વાત છે. 

દેવિકાબહેનને આ નવા સંગહ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. લખતાં જ રહો એથી વિશેષ શું ઇચ્છું ?

લતા હિરાણીના વંદન.   

‘અહીં જ બધું’  P.13-14

નોંધ : વિખ્યાત કવિ શ્રી અદમ ટંકારવીએ આ કાવ્યસંગ્રહની પ્રસ્તાવના લખી છે.

🥀🥀

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

8 thoughts on “દેવિકા ધ્રુવ ~ અહીં જ બધું (કાવ્યસંગ્રહ)”

  1. દેવિકા ધ્રુવનો ‘અહીં જ બધું’ કાવ્યસંગ્રહ આવકારાતા આનંદ થાય છે. દરેક રચના સરસ હશે જ, તેમાં મને શંકા નથી.
    અભિનંદન. સસ્નેહ, સરયૂ પરીખ.

Scroll to Top