🥀 🥀
ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો!
જીવનદાતા, જીવન કેરો અનુભવ તું કરી તો જો!
સદાયે શેષ શૈયા પર શયન કરનાર ઓ ભગવન,
ફકત એકવાર કાંટાની પથારી પાથરી તો જો!
જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું,
અમારી જેમ અમને એકપળ તું કરગરી તો જો!
નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!
નિછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલ છે “નાઝિર”
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.
~ નાઝીર દેખૈયા 13.2.1921 – 16.3.1988
🥀 🥀
આપને જોનાર પણ ના ઓળખે છે આપને ,
ક્યાં સુધી કરતા રહેશો આ પરિવર્તન નવાં?
આપને આદત પડી ગઈ છે ઝગડવાની સદા,
રોજ હું ક્યાંથી ભલા લાવું કહો દુશ્મન નવાં?
આપના મેળાપમાં તો થઈ ગઈ કાયાપલટ,
ક્યાં સુધી કરતા રહેશો આપ આંદોલન નવાં?
છે મિલન કેરી ખુશાલી કોની મારા સમ કહો,
ગાલ પર જોઈ રહ્યો છું આપના ખંજન નવાં.
હું જરા જુદી રીતે પૂજા કરું છું આપની,
વારતા જુદી અને એનાં છે અવલોકન નવાં.
આ નવી સૃષ્ટિને માટે રૂપ પણ બદલો તમે ,
આ નવી સૃષ્ટિ હવે માગી રહી દર્શન નવાં.
થઇ જશે બેનૂર એનો ભય નહીં જીરવી શકું,
જીર્ણ નજરોને નહીંદેજો તમે દર્શન નવાં.
~ નાઝીર દેખૈયા 13.2.1921 – 16.3.1988
