🥀 🥀
વૃક્ષ ગાતું ઘેનભીનું ગાન, અંધારું કરો !
આંખ મીંચે છે બધાંય પાન, અંધારું કરો !
ઓગળ્યાં આ વૃક્ષ, પેલા પહાડ ને ઝાંખી નદી,
ધુમ્મસો શાં ધૂંધળાં મેદાન, અંધારું કરો !
ફૂલ નહીં તો ફૂલ કેરી પાંખડી ! આ શ્વાસથી –
વેદનાને આપવાં છે માન, અંધારું કરો !
મૌન ઝીણું કૈંક બોલે છે અને એકાંતના –
છેક લંબાતા રહે છે કાન, અંધારું કરો !
ધ્રૂજતા બાહુ પસારે છે હવાયે ક્યારની !
સ્પર્શ ઊભા છે બની વેરણ, અંધારું કરો !
~ નિર્મિશ ઠાકર (18.3.1960 – 14.1.2024)
🥀 🥀
દ્રશ્યોમાં એકધારી, ભાષા નથી તો શું છે?
ખુલ્લી રહેલ બારી, ભાષા નથી તો શું છે?
ભીના ભરેલ ભાવે સોંદર્ય થઇ ગયેલી –
ફૂલો ભરેલ ક્યારી, ભાષા નથી તો શું છે?
કાળી સડક પરે જે પ્રસ્વેદથી લખાતી
મઝદૂર–થાક–લારી, ભાષા નથી તો શું છે?
ડૂબી શકે બધુંયે જેની હ્રદયલિપિમાં
અશ્રુસમેત નારી, ભાષા નથી તો શું છે?
ફૂટપાથની પથારી, ભૂખ્યું સૂતેલ બાળક
ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે?
જૂના જ શબ્દમાં કૈ પ્રગટાવજો અપૂર્વ
એ માગણી તમારી, ભાષા નથી તો શું છે?
એના હ્રદય મહીં જે અનુવાદ થઇ શકી ના
આ વેદના અમારી, ભાષા નથી તો શું છે?
~ નિર્મિશ ઠાકર (18.3.1960 – 14.1.2024)

ખૂબ સરસ અભિવ્યક્તિ.