પાછલી રાતે
જોઉં તો : આદિવાસી
કન્યાની છાતી
શી ટેકરીઓ તાકે
રાની પશુની આંખ.
~ રમેશ આચાર્ય
આપણી કવિતાની વાત હોય કે જગતકવિતાની પણ એથિક્સ અને એસ્થેટિક કાયમ સંધર્ષમાં રહ્યા છે. જગતની વ્યવહારું સભ્યતાએ કાયમ એથિક્સના જ પક્ષમાં રહીને એવું કહ્યું છે કે, ભલે એ સર્જકોનો ઉન્મેષ હોય પરંતુ એથી એને જનસમાજના ઠેરવેલા આદર્શોને ભસ્મીભૂત કરવાનો જરા પણ અધિકાર નથી મળતો. તો એસ્થેટિકના સમર્થકોનું કહેવું એવું રહ્યું છે કે, સર્જક ભાષામાં રહીને ભાષાનો સંવર્ધક છે. સૌંદર્ય જ એની ઉપાસના ‘ને આદર્શ છે. એટલે એ ભાષાનું અને એ રીતે એના સર્જનનું સૌંદર્ય ન હણાય એ જોવાનો આગ્રહી હોય છે.
સર્જન એ વ્યવહારની મર્યાદામાં જ રહીને ભાષાના કે અન્ય દેવ-દેવીઓને મનાવવા કે રાજી રાખવાની બાબત નથી. સર્જનાત્મકતા એક પ્રકારની રમણા છે. અને એમાં મુક્તપણે રમવા દરેક સર્જક મૂળભૂત રીતે, પૂરેપૂરો વારસ કે અધિકારી છે. ત્યારે તમારા-મારા જેવો સાવ સાદોસીધો ભાવક તો મૂંઝાઈને જ જરાંક આઘોપાછો થઈ જાય. આમાં કોનું માનવું અને કોનાં કહ્યાં કરવાં, આચરવાં ? પણ છેવટે આપણે ભાવક તરીકે તો એવું જ માનીએ કે સર્જક નીતિમત્તાને અનુસરે કે કળાનિષ્પત્તિને, આપણો તો આશય જ આનંદ અને રસચર્વણા છે. આપણે રસ કે આનંદમાં તરબોળ હોઇએ એ વખતે આવા કોઇ ઠોસ નીતિનિયમ સાંભરતા જ નથી. કારણ કે આપણને તો આપણા કવિએ જ શીખવ્યું છે. ‘ उत्सव अमार जाति, आनंद अमार गोत्र । – રવિન્દ્રનાથ ટાગોર. અમને તો તરબોળ કરે એ સર્વોતમ. ને જેમાં એક કરતાં વધારે ઈન્દ્રિયો સભર સભર થાય એ જ અમારું સર્વાધિક. હા એ ખરું કે સર્જકની છેવટની જવાબદારી, ફરજ અને નિષ્ઠા તો હંમેશા સર્જનના પક્ષમાં હોવી ઘટે. કારણ કે એ કોઇ નીતિઓની સ્થાપના કરવાવાળો સમાજમોભી નથી, કે નથી તો કોઈ ઝંડાધારી સમાજસુધારક. સૌંદર્યનો ઉપાસક, કરી કરીને સૌંદર્યની જ પૂજા કરવાનો. અને જો એનું ગાન સૌંદર્યરાગી નથી તો એ સર્જક શાનો ? હા, એટલું ખરું કે એનું આ સૌંદર્ય પણ સર્જનાત્મક સૌંદર્ય છે. એની ઊંડળમાં સદ્-અસદ્ અને રમણીય- કુત્સિત જેવા દ્વંદ્વને અવકાશ નથી. એટલે જ તો એ કહે. ‘હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની/ને જે અસુંદર રહી તેહ સર્વને,/મૂકું કરી સુંદર ચાહી ચાહી.’ -સુન્દરમ્. એટલે સર્જકની બધી સીમાઓ, વિસ્તાર અને વિહાર સર્જનલક્ષી અને સૌંદર્યરાગી હોય એ પણ સમજી શકાય તેવી બાબત છે.
તો પછી સર્જકે પોતાની કૃતિમાં જે પ્રયુક્તિના આંક માંડ્યા છે તે ભાવકને ઉત્તમ, શ્રદ્ધેય કે પ્રત્યાયનશીલ કેવી રીતે લાગે ? સ્વાભાવિક જ આવો પ્રશ્ન થાય. એના માટે સર્જક કૃતિ સાથે કોઇ પ્રમાણપત્ર તો નથી જોડી શકતો કે એની યથાતથતાની ખાતરી પણ નથી આપી શકાતી પરંતુ આ આખો અનુભવ સર્જક અને ભાવક વચ્ચેના તાદાત્મ્યનો જ ગણવો રહે છે. સર્જકે નાણી, કસીને કૃતિ ભાવકના હાથમાં મૂકી હોય તે અને ભાવક પણ ખાસ પ્રકારની ભાવયિત્રી પ્રતિભાનો માલિક હોવો ઘટે. તો આંટી પડવાની શક્યતા નિવારી શકાય. એક રીતે આ પરસ્પરની સજ્જતા તો છે જ પણ તેમાં સહ્રદયતા પણ આજના સમયે તો અતિ આવશ્યક બાબત ગણાશે. નરી તટસ્થતાથી જોઇએ તો આ બન્ને વિધાઓ એકબીજા સાથે સંકળાતી હોવા છતાં સર્જક અને ભાવકના પોતપોતાની આગવી સમજ અને આગવા વિધાક્ષેત્રની પણ છે. દરેક વખતે સમાનાભૂતિ, સમાન દૃષ્ટિ કે કૃતિ માટેની સહજ સંમતિ શક્ય નથી અથવા સાધી શકાતી નથી હોતી. એટલે આખરે તો એનો કોઇ જ વિકલ્પ નથી.
આપણી વાત તો છે સર્જકે પોતાની કૃતિમાં પ્રયોજેલ વિષયવસ્તુ અથવા ભાવ કે દાખવેલ અભિવ્યક્તિમાં લીધેલી નૈતિક છૂટછાટની. સાહિત્યકૃતિની શ્લિલ-અશ્લિલતા ચર્ચાય છે એટલો એના સદ્-અસદ્ વિશે ઉહાપોહ નથી હોતો. જો કે શિલ્પ અને સ્થાપત્યોમાં જે રીતે કામક્રીડાનું નિદર્શન થાય છે એટલી ખુલ્લી રીતે કે છૂટથી નિરૂપણા સાહિત્યમાં નથી થતી. સાહિત્ય આવી જરૂર પડે ત્યાં પણ પ્રતીકો કે રૂપકોથી કામ લે છે. જ્યારે શિલ્પ-સ્થાપત્યોમાં મોટાભાગે તેમ નથી થતું. છતાં આપણા મંદિરો કે અન્ય આવાં કોઇ એકમોનાં સ્થાપત્યોની આવી નિદર્શના સામે વાંધા રજૂ થયાના કે વાત કોર્ટે-કચેરી સુધી પહોંચ્યાના કિસ્સાઓ ઓછા જ હશે. વિચારવાનું તો એ રહે છે કે આવાં મઠ-મંદિરો જેટલાં આમ પ્રજા સાથેની દૈનંદિનીમાં સંકળાયેલા હોય છે તેટલા પ્રમાણમાં સાહિત્ય તો પ્રજાપ્રિય નથી હોતું. છતાં સાહિત્યની પ્રમાણમાં શિલ્પ- સ્થાપત્યો જેટલી વાચાળ અભિવ્યક્તિઓ નહીં હોવા છતાં સાહિત્ય માટે જ કેમ વાંધો હશે તે સંશોધનનો વિષય છે. શિલ્પ-સ્થાપત્યોમાં જેને ઉત્તમ કળાના નમૂના તરીકે નવાજવામાં આવે છે તેવું સાહિત્યની કોઇ કૃતિ માટે બને ખરું ? બક્ષીજી સામેના વર્ષો સુધી ચાલેલા કોર્ટકેસ કે ડો. રાહી માસુમ રાજાના ‘આધાગાઁવ’ની ભાષા/બોલીના પ્રયોજન સાંભરી આવે. ખેર, આ બહુ દીર્ઘ ચર્ચા-વિચારણાની બાબત છે. જો કે આપણા સાહિત્યમાં પણ ખાસ કરીને કવિતામાં, એક મર્યાદામાં રહીને કટી, ઉરોજ કે આવાં અંગો-ઉપાંગોની વાત/ઉલ્લેખ થયાં છે. કેટલાંક તો અતિ ઉત્તમ રીતે થયાં છે.
पद्मपयोधरतटीपरिरम्भलग्न
काश्मिरमुदितमुरो मधुसूदनस्य ।
व्यक्तानुरागमिव खेलदनङ्नखेद
खेदाम्बुपरमनुपूरयत प्रियम्वः ।। – जयदेव (गीत गोविंद)
( કચકચાવી બાથ ભરવાના કારણે શ્રીલક્ષ્મીના પયોધર પર લીંપેલ કેસર શ્રીહરિની છાતી પર ભૂંસાય છે. કામકેલિરત બન્નેને પરસેવો વળી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે ટપકતાં સ્વેદબુન્દોમાં પરસ્પરનું હેત ટપકે છે, તેઓ સૌ મનોકામના પૂર્ણ કરે.)
°°°
પ્રેમદા પ્રેમશું અધર ચુંબન કરે,
પિયુ-સંગ પરવરી સબળ બાળા,
તાલ-મૃંદગ મધ્ય ઘમઘમે ઘૂઘરી,
શ્યામ-શ્યામા કરે ચપળ ચાળા. – નરસિંહ મહેતા
°°°
ઊંચાનીચાં સ્તનધડક-શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મારી. – બ. ક. ઠા.
°°°
કંચુકીબંધ છૂટ્યા ને હટ્યું જ્યાં હીર-ગુંઠન
હૈયાનાં લોચનો જેવાં દીઠાં બે તાહરાં સ્તન – પ્રિ. મણીઆર
°°°
નદીએ હબસણ બેવડો પવન પહેરી ન્હાય
સ્તન ચોળે, પેડૂ ઘસે, સાબુ કાળો થાય. – રમેશ પારેખ
ઉક્ત ઉદાહરણ જોતા જણાશે કે એમાં કેવી સંયત રીતે જે આલેખવું છે તેની પ્રસ્તુતી થઈ છે. એના વિષયવસ્તમાં શૃંગાર છે, અરે કામક્રીડા પણ છે. છતાં એ ઉત્તેજક રીતિના બદલે કલાત્મકતાથી પ્રયોજાયા હોવાનું પ્રમાણી શકાય છે.
પ્રસ્તુત તાન્કામાં આપણા આ કવિનો આશય પ્રણયક્રીડા કે શૃંગારસંભોગ જેવા કોઇ ભાવોના નિરૂપણ કે નિદર્શનનો નથી. એમનો હેતુ તો એક રમ્ય શબ્દચિત્રાંકન રચી કાવ્યની સમગ્ર અસરમાં ઉમેરો કરવાનો છે. પરંતુ એમાં આવેલ એક કાલ્પનિક ઉપમાને સમજવાના સંદર્ભમાં આપણી પરંપરાગત નિદર્શન/નિરૂપણરીતિઓનું સુધીનું આ જરા દીર્ઘદર્શન કર્યું. આવો હવે પ્રસ્તુત કાવ્યનું નજીકદર્શન કરીએ. કવિએ અહીં નિરૂપિત કરેલો સમય રાત્રિનો છે. અને એ પણ પાછલી રાત. એટલે આ અહીં વિતી વાતનું પુનઃઅવલોકન છે. પરંતુ કથક એ સમયમાં ફરી પ્રવેશ કરે છે. દૂર સુધીનું અને થોડું વિગતે દેખાય છે એટલે એ શુક્લપક્ષની રાત્રિ જ હશે એવું ભાવકે નક્કી કરવાનું છે.
આવી રાતે એક વિસ્મિત કરનારી ઘટના બને છે. કવિ આપણને એના સાક્ષી બનાવે છે. શું બને છે ? બસ અહીંથી આપણો કવિનિર્મિત આશ્ચર્યલોકમાં પ્રવેશ થાય. કથક કહે છે : ‘જોઉં તો..’ એટલે ખરેખર તો કથકે દૂરની બે ટેકરીઓ જોઇ છે પરંતુ એના કામવૃત્તિથી વ્યાકુળ ચિત્તે સ્થાપિત યથાતથતાને બદલે આ ટેકરીઓ, આદિવાસી કન્યાની ઉપસેલ છાતી જેવી લાગે છે. જે જોવાય છે તે તો સ્થૂળ આંખોનો વિસ્તાર છે. પણ એની સાથે જ ગતિ કરતા અને અનુભવતા મનને આ જૂદું પ્રતીત થાય છે. કામલોલુપ મન આ ટેકરીઓમાં આદિવાસી કન્યાનાં ઉપસ્થ ભાળે અને અનુભવે એ, સ્મરણમાંથી રાતના એકાન્તે નીતરી આવેલ કામુકતા છે. આવું કેમ થયું ? બસ, પછીની એક જ પંક્તિમાં કવિએ કાવ્યમર્મ શો નિચોડ આપી દીધો. શું ? તો કે કથકના કામગ્રહિત ચિત્તમાં છૂપાઇને બેઠેલું પેલું કામાતુર પશુ જાગૃત થયું. અને રૂપાન્તરણની બે પ્રક્રિયા એક સાથે થઈ. કથકની આંખ આ કામોત્સુક પશુની આંખમાં પલટાઇ ગઈ. સાથે જ પેલી દૂરની ટેકરીઓએ મદિલતા, મસૃણતા ધારણ કરી અને એ પણ આદિવાસી કન્યાની છાતીમાં ફેરવાઇ ગઇ.
આ આખીએ પરિવર્તિની પાછળ કોઇ જવાબદાર હોય તો એ કથકની ચિત્તઅવસ્થા કે ચિત્તવૃત્તિ છે. હવે ફરી આપણે પણ કવિના સમયમાં પરત આવીએ. તો નક્કી થાય કે રાત્રે તો ગ્રસિત મનઃસ્થિતિ કારણભૂત હતી. ત્યારે તો માત્ર ટેકરીઓનું પરિવર્તન જ તથ્ય હતું. હવે નક્કી થયું કે આ કોઇ શીલવાન માનવચક્ષુનું કામ નથી આ કોઇ વિવેકહિન પશુઆંખ જ આવું ભાળે. પછી ? પછીથી જે છોડી દેવામાં આવ્યું એ જ તો કવિતાનું સાચું કેન્દ્ર અને કામ હોય છે. એ ભાવકસમયનો કળાવિસ્તાર છે. અને એમાં એ સ્વતંત્ર છે. અહીં ભાવક એ પણ યાદ રાખે કે ટેકરીઓનું રૂપાન્તર થયું છે. એટલે બહુ જ સ્વભાવિક એ સ્તનમાં પરિવર્તિત જ થઈ હોય પરંતુ અહીં ભાષાનિયોજનમાં કવિનો વિવેક છે કે એ છાતી કહે છે. બસ આવી સભાનતા જ કવિના નિરૂપણગત વિભાવને નિર્દેશતા હોય છે. સાથેસાથે એ પણ કે, કેટલાં બધાં કાવ્યાત્મક કામ કવિએ એક સાથે કર્યાં ! બસ આ જ તો અહીંથી ભાવકે લેવાની લ્હાણ છે.
હાઇકુ, તાન્કા જેવા લઘુ કાવ્યસ્વરૂપની સફળતા, કવિકર્મની ઊંડી સમજ અને સચોટ ભાષાનિયોજનની ફલઃશ્રુતિ હોય છે. ઘણું બધું સંગોપીને સંકેતિત કરવાનું કવિકૌશલ્ય એમાં હદ્ય પરિણામો આપે. કવિ રમેશ આચાર્ય ઘણા દીર્ઘ સમયથી આવા પ્રકારો સાથે કામ કરી રહ્યા છે. કોઇ સજ્જ ભાવકે એને સમ્યક અભ્યાસલેખ સાથે તારવી આપવા જોઇએ. અસ્તુ.
સંજુ વાળા
મૂળ પોસ્ટીંગ 28.10.2020
