વિનોદ જોશી ~ સાંભળવું હોય તો * Vinod Joshi

સાંભળવું હોય તો

સાંભળવું હોય તો જ કહું
છોને બેઠાં છો બધા છેટાં પણ માનું છું
કાન દઈ સાંભળશો સહુ…

પોતાનો હોય તોય પડછાયો કોઈ દિવસ અંધારે હાથ નથી ઝાલતો
ઓસરીની કોરેથી અજવાળું ખંખેરી, સૂરજ થઈ જાય રોજ ચાલતો
નળિયામાં હોય નહીં ચોમાસું એટલે જ, સમજીને વાદળમાં રહું…
સાંભળવું હોય તો જ કહું….

કીડી ચાલે ને તોય ગલગલિયાં થાય એવી પર્વતમાં બેઠી સંવેદના
એને શું રોજ રોજ કહેવાનું હોય જેને જળ ને ઝળઝળિયાંનો ભેદ ના
આમ એવું લાગે કે પૂરતું છે આટલું ને આમ હજી કહેવું છે બહુ
સાંભળવું હોય તો જ કહું….

~ વિનોદ જોશી

કવિના મોટાભાગનાં ગીતોથી જરા જુદો ચીલો ચાતરતું ગીત. પ્રથમ બંધમાં ‘ઓસરીની કોરેથી અજવાળું ખંખેરી, સૂરજ થઈ જાય રોજ ચાલતો’ કલ્પન બેહદ ગમ્યું. તો કીડીના પગલાં પર્વતનેય રણઝણાવે એ તો કવિ જ કહી શકે. વધારે ગમ્યું એ કે ‘સાંભળવું હોય તો જ કહું….’ હા, ભાવકની તૈયારી જોઈએ. અને ભાવક તમારા ગીતોની પ્રતિક્ષામાં જ છે કવિ !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top