નીતિન વડગામા ~ અચાનક દ્વાર ખખડાવી* Nitin Vadgama

વરસ પૂરું થયું અંતે 

અચાનક દ્વાર ખખડાવી વરસ પૂરું થયું અંતે
ધબકતા શ્વાસ થંભાવી વરસ પૂરું થયું અંતે.

જગત આખું નિહાળી ના શક્યું એને નરી આંખે
અગોચર શસ્ત્ર સરકાવી વરસ પૂરું થયું અંતે.

મકાનોનું રૂપાંતર થઈ ગયું છે કેદખાનામાં
સતત ફફડાટ ફેલાવી વરસ પૂરું થયું અંતે.

મનોરથ સાત રંગોના અધૂરા રહી ગયા એમ જ
બધાંનાં ભાગ્ય પલટાવી વરસ પૂરું થયું અંતે.

સુગંધોની સવારી અધવચાળે આંતરી લીધી
ઊઘડતાં ફૂલ કરમાવી વરસ પૂરું થયું અંતે.

ગમે ત્યારે ગમે તે આંગણે છાનેપગે પહોંચી
મરણનો હાથ લંબાવી વરસ પૂરું થયું અંતે.

ઘડીભરમાં ધુમાડો થઈ જશે આ દેહ માટીનો
જીવનનો મર્મ સમજાવી વરસ પૂરું થયું અંતે.

નીતિન વડગામા

વિક્રમ સંવત 2078નું વર્ષ પૂરું થયું. અલબત્ત કોરોનાના ઓથારમાંથી મુક્ત થયા અને સૌએ એ રાજીપાથી દિવાળીની ઉજવણી કરી… પણ જેમણે જેમણે વેઠયું છે એમના મનમાં ખુશીનો સંચાર બહુ મુશ્કેલીથી થાય… સ્વજનોનું જવું સ્મરણમાંથી જતું નથી…. કવિએ આ વેદનાને વાચા આપી છે..   

OP 1.11.22

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top