દિનેશ ડોંગરે ~ ફૂલની સાથે

ફૂલની સાથે ~ દિનેશ ડોંગરે

ફૂલની સાથે બગાવત રાખે છે;

ખુશ્બુ પણ કેવી અદાવત રાખે છે!

પાણીમાં પણ ઘર બનાવી જાણતી;

આ હવા નોખી કરામત રાખે છે.

છોડીને સંસારનો વૈભવ બધો;

શબ્દ ગઝલોને તથાગત રાખે છે.

આંખ ખુલતાંવેંત ખરી પડતાં તરત;

એમનાં શમણાં નજાકત રાખે છે.

માનવીને યાદ મર્યાદા રહે;

હા, ખુદા તેથી કયામત રાખે છે.

જાળવીને હાથ ઓળખ પોતીકી;

આંગળા વચ્ચે તફાવત રાખે છે.

એ ભલે નારાજ હો ‘નાદાન’ પણ;

થોડી અંગતમાં ઇનાયત રાખે છે.

દિનેશ ડોંગરે ‘નાદાન’

‘થોડી વાર તો લાગે ને!’ જેવું સંવાદાત્મક શીર્ષક જેમના કાવ્યસંગ્રહનું છે, કવિના એ સંગ્રહમાંથી આ ગઝલ. બીજા, ચોથા અને છઠ્ઠા શેરમાં ઝીણું કામ થયું છે. કવિ કૈંક જુદી વાત લઈને આવ્યા છે. તો પાંચમા શેરમાં એક સનાતન સત્ય વ્યક્ત થયું છે.

આ સંગ્રહમાંથી ખૂબ ગમેલો એક શેર

આંખ શેરીમાં રડે કે આંખમાં શેરી રડે

કેટલા જનમોની પીડા ચોતરફ ઘેરી વળે!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top