અબીલ જેવો છું ~ દિનેશ દેસાઈ
અબીલ જેવો છું, ગુલાલ જેવો છું,
કરો તિલક શુભ-લાભ, ભાલ જેવો છું.
દુઃખો મિટાવું છું, ખુશી લુટાવું છું,
સુતર, કદી રેશમ રૂમાલ જેવો છું.
પુનમ કરી આપું, અમાસની રાતો,
સદાય છું સૂરજ, મશાલ જેવો છું.
સુખો વહેંચું, કામ આંસુ લુછવાનું,
નવાબ છું દિલનો, ટપાલ જેવો છું.
બહાર–ભીતર એક સ્વાદ–ચાખી લો,
કઠોર લાગું પણ કમાલ જેવો છું.
કરી તમે જેની અવિરત પ્રતીક્ષા,
ગળે લગાડી જો, વહાલ જેવો છું.
મહેંકુ હરદમ, તાજગી બગીચાની,
વસંત છું, પુરબ્હાર ફાલ જેવો છું.
ન કાંકરીચાળો, ન પીઠ પાછળ ઘા,
ન છોડું–વિફરું તો ધમાલ જેવો છું.
જવાબ જેવો છું, સવાલ જેવો છું,
વિરોધ જો કરશો, બબાલ જેવો છું.
~ દિનેશ દેસાઈ
માણસના મનમાં પોતાનું એક ચિત્ર હોય છે અને પોતાની જાતને એ રીતે જોવાની ટેવ દરેકને હોય છે. ભલે એ એક આદર્શ હોય, પણ એની સામે જોયા રાખવું ફાયદાકારક તો ખરું જ.
OP 13.10.22
