ઝંડા ઝૂલણની ગઝલ ~ જાગ્રત વ્યાસ
મુજસે ખતા હુઈ ક્યા, અબ તો બતાવ તેજણ,
તુજના વિના નથી આ દિલને કરાર તેજણ.
તું હિંદુ, મેં મુસલમાન, પણ ઇશ્ક તો હૈ સચ્ચા
જગની વિશાળ છોને વચમાં દીવાલ તેજણ.
દિન-રાત મૈં ભટકતા માયૂસ થઈ ખિજામેં
તું એક બાર આજા બન કે બહાર તેજણ.
દેખાવમાં છું મુફલિસ, પણ દર્દની છે દૌલત
દિલને પરખજે મારા ગુહરશનાસ તેજણ.
યે બેરૂખી દિખા કર કૈસા સિલા દિયા હૈ!
તુમકો ખુશી મુબારક, મુજકો મલાલ તેજણ.
તુમ હો ખુમાર મેરા, તુમ હો મદાર મેરા
નાચીજ પે દયા કર બંદા-નવાજ તેજણ.
દિલમેં દિયા જલાકર ભટકું ફકીર થઈને
સિજદા કરું તુમ્હારા પરવરદિગાર તેજણ.
~ જાગ્રત વ્યાસ
કવિ જાગ્રત વ્યાસ ત્રીજો કાવ્યસંગ્રહ લઈને આવ્યા છે, ‘આવણું’; જેનો અર્થ છે, આવવું તે, આગમન. આ સંગ્રહમાં તેમણે ભવાઈના પાત્રો પર પણ ગઝલ લખી છે. ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત ‘આવણું’ કહેવાય છે. આમ તેમને પોતાના ગઝલસંગ્રહનું હટકે નામ મળ્યું. અલબત્ત એમણે આ ગઝલો લખવા માટે ‘ભવાઇ’ અંગે સારો એવો અભ્યાસ પણ કર્યો છે.
ખાસ ઉપરની ગઝલનો વિષય છે – જેમાં એક મુસ્લિમ પુરુષ ‘ઝંડો’ હિન્દુ પરિણીત સ્ત્રી ‘તેજલ’ના પ્રેમમાં પડે છે અને અંતે નાસીપાસ થયેલો પ્રેમી ફકીર બની જાય છે.
ભવાઇગઝલો જે પાત્ર અંગેની છે, એ સમયમાં ગુજરાતમાં મુસ્લિમ સુબાઓ રાજ કરતા આથી તેમની ભાષા ઉર્દૂમિશ્રિત ગુજરાતી રહેતી અને એમ આ ગઝલોમાં પણ ભાષા એવી છે. સંગ્રહની એક ગઝલ ‘ચેતનિયા’ પર છે જે કાલ્પનિક પાત્ર છે. જો કે આ પ્રકારની ગઝલો ત્રણ-ચાર જ છે. આમ જુદા વિષયો, ચોક્કસ પાત્ર પર ગઝલો લખવી એ વિશેષ ઉદ્યમ માંગી લે છે અને કવિએ એ સરસ રીતે નિભાવ્યો છે.
‘કાવ્યવિશ્વ’ કવિના આ નવા સંગ્રહને આવકારતાં શુભેચ્છાઓ પાઠવે છે. આ અગાઉ કવિનો કાવ્યસંગ્રહ ‘દ્યુતિલોક’ (2021) પણ ‘કાવ્યવિશ્વ’ને પ્રાપ્ત થયેલ છે. આભાર કવિ.
OP 5.10.22
