સૂતી હતી બાથ મહીં ~ કૃષ્ણલાલ શ્રીધરાણી
સૂતી હતી બાથ મહીં સુંવાળી,
હતાં કર્યાં બંધ બધાંય બારણાં
છાતી પરે સ્નિગ્ધ સુકેશ ઢાળી,
બુઝાવીને દીપક કીકીઓ તણા
ન દેખવું કે નવ બોલવું જરી,
ન વાંચવી અંતરની કિતાબ;
બે દેહની એક અખંડતા કરી,
છાતી કરે બેઉ અબોલ સાદ
અંધારની અંગ ધરી પછેડી
નિસ્તબ્ધતાના પડદા રહ્યા લળી
ચંપા તણાં પર્ણ જરા ખસેડી
બારી થકી ચંદ્રી પડે જરા ઢળી
જે ઓષ્ઠ મારા, મુજ એકલાના
તે ચૂમવા ચંદ્ર કરે ? નહીં! નહીં!
ચંપા તણાં પર્ણ વદેય ‘ના, ના!’
ને છાંય એની વળી ઓષ્ઠ પે પડી
પ્રકાશને મ્હાત કર્યો તદા ફરી
અંધાર જીત્યું સઘળું જતો હરી!
~ કૃષ્ણલાલ શ્રીધરાણી
શૃંગારની સૌંદર્યમય અભિવ્યક્તિ. રતિસુખની ચરમતા વ્યક્તિને શ્લથ બનાવી મૌનના મહાસાગરમાં ડૂબાવી દે છે છે અને શબ્દો અર્થવિહોણા બની જાય છે. અલબત્ત એવા સમયથી પણ માનવીનો ‘અધિકાર’ અંજાતો નથી…. જુઓ, ‘જે ઓષ્ઠ મારા, મુજ એકલાના’ વાહ કવિ !!
OP 23.7.22
***
Meena Jagdish
31-08-2022
શૃંગારની સુંદર રચના…👏👏👏🙏🏻
ઉમેશ જોષી
24-07-2022
કવિ કૃષ્ણલાલ શ્રીધરણીની અભિવ્યક્તિ સ…રસ છે.છેલ્લી બે પંક્તિઓ મનને સ્પર્શી જાય છે.
સિલાસ પટેલિયા.
23-07-2022
કૃષ્ણલાલ કવિની આ રચના કેવી સુંદર રચના થઇ છે ! અનેરી કૃતિ. ચાર
ચિત્રો. ઇન્દ્રિય ગોચર કલ્પનલીલા. પ્રાસલીલા પણ કેવી મજાની, કે સહજ
લય જન્મે છે. ચિત્રાત્મકતા વાતાવરણ રચે છે. સોહામણું શબ્દશિલ્પ.
આનંદ… આનંદ…!
આભાર
આવી રચનાની સન્મુખ કરવા બદલ.
છબીલભાઈ ત્રિવેદી
23-07-2022
