અમોને નજરું લાગી
સોળ સજી શણગાર ગયાં જ્યાં જરીક ઘરની બહાર,
અમોને નજરું લાગી !
બે પાંપણની વચ્ચેથી એક સરકી આવી સાપણ
ડંખી ગઈ વરણાગી…. અમોને નજરું લાગી !
કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,
હવે ન ઊખડયો જાય થાળીને વળગી બેઠો સીધો,
આવા ન્હોય ઉતાર,નજરના આમ ન તૂટે તાર
અમોને નજરું લાગી !
તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,
ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂંકી,
જડને યે આ સૂઝ તો રહેવું કેમ કરી અણબૂઝ
અમોને નજરું લાગી !
સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,
જલતાં તોય ન વાસ અમોને કેમ ન લાગે પાસ ?
અમોને નજરું લાગી !
ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કો’ક,
ટુચકા તરહ તરહ અજમાવી થાકયાં સઘળાં લોક,
ચિત ન ચોંટે કયાંય, હવે તો રહ્યુંસહ્યું ના જાય,
અમોને નજરું લાગી !
‘લ્યો, નજરું વાળી લઉં પાછી’ એમ કહી કો’ આવ્યું,
નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,
હવે નજરનો ભાર, જીવનનો થઈ બેઠો આધાર.
અમોને નજરું લાગી !’
~ હરીન્દ્ર દવે
કવિ: હરીન્દ્ર દવે સ્વરકાર: અમર ભટ્ટ ગાયક: ઐશ્વર્યા મજમુદાર
OP 14.7.22
***
*****
