ઘાવ આપે, દાવ આપે ~ સંધ્યા ભટ્ટ
ઘાવ આપે, દાવ આપે માણસો
જાત પોતાની જ સ્થાપે માણસો.
પૃથ્વી ને પાણીને તો કોરી લીધા
આભની વાણી ઉથાપે માણસો.
ખૂબ સંશોધન કર્યું સૌ ક્ષેત્રમાં
માત્ર પોતાને ન માપે માણસો.
સ્હેજ પણ જગ્યા ન આપે કોઈને
બસ, બધે પોતે જ વ્યાપે માણસો
ક્યારે ડૂબશે ? કોઈ ઠેકાણું નથી
જો, તરે કેવા તરાપે માણસો !
~ સંધ્યા ભટ્ટ
માનવજાતના સરેરાશ સ્વાર્થી અને મતલબી સ્વભાવ જુઓ ! એને હમ્મેશા પોતાનો કક્કો ખરો કરવો છે. જાતથી આગળ એને કંઈ દેખાતું નથી. પોતાના મતલબ માટે એ બીજાને છેતરતા, દુભાવતા, ઘા કરતાં જરાય ખચકાતો નથી. કોઈને હરાવવા માટે એ ગમે તેવી રમત રમી શકે છે. ધરતીના પેટાળ સુધી પૂરી ક્રૂરતાથી એણે હથોડા વીંઝ્યા છે ને પાણીના ઊંડાણમાંય પોતાની ઇજારાશાહી સ્થાપતા એને કુદરતની કોઈ શરમ નડી નથી. માથે છત્રરૂપે રહેલા આકાશને પ્રદૂષિત કરવામાં એણે કોઈ કસર નથી છોડી. માફ ન કરી શકાય એ હદે એ વિવેકભાન ચૂક્યો છે ! પોતાના કરતૂતો પોતાની ભાવિ પેઢીને સહન કરવા પડશે એનો એને વિચાર નથી..
OP 14.6.22
***
આભાર
17-06-2022
આભાર રેણુકાબેન, દીપકભાઈ, કિશોરભાઇ, વારિજભાઈ, છબીલભાઈ
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા મિત્રોનો પણ આભાર
Varij Luhar
14-06-2022
માત્ર પોતાને ન માપે માણસો…. વાહ
રેણુકા દવે
14-06-2022
ખૂબ સરસ ગઝલ , સંધ્યા બેન
વાસ્તવિકતા નું સચોટ આલેખન
કિશોર બારોટ
14-06-2022
આજની માણસની માનસિકતાનો વેધક ચિતાર.
દીપક વાલેરા
14-06-2022
વાહ
છબીલભાઈ ત્રિવેદી
14-06-2022
સંધ્યા ભટ્ટ નુ કાવ્ય માણસ પોતાના નિજી સ્વાર્થ માટે પ્રક્રુતિ નુ નિકંદન કાઢી રહ્યો છે તે વરવી વાસ્તવિકતા છે સરસ કાવ્ય આભાર લતાબેન
