મીનાક્ષી પંડિત ~ મુંબઈમાં અંધારપટ * Minaxi Kailas Pandit

મુંબઈમાં અંધારપટ 

મુંબઈમાં અંધારપટ છવાઈ ગયો
ભાગી રહેલી મોટરોને જોઈ
દોડતા કૂતરા મૂંગા થઈ ગયા
તારના દોરડે ચકરાતા ટેલિફોને
પાટાઓ પર ચાલી રહેલાઓની

ઠેકડી ઉડાડી.
રસ્તાની હોટલોમાં પાણી સાથે ચા પીને
આગળ જતા સહુએ અજાણ્યા સાથે

દોસ્તી બાંધી
એક જ મકાનમાં રહેતા ભાડૂતોની
બંધ પડેલી લિફ્ટમાં ઓળખાણ થઈ
ટેબલ પર બળતી મીણબત્તીએ
પ્રગટાવેલા દીવા સાથે વાત કરી
વીજળી આવી જતાં

ફરી બધે અંધારું ?!!

મીનાક્ષી કૈલાશ પંડિત

મીનાક્ષી કૈલાસ પંડિતના આ કાવ્યમાં વાત મુંબઇના અંધારપટની છે અને એનો વ્યંગયાર્થ આપણા અસ્તિત્વને, સમગ્ર જીવનને સમૂળો સ્પર્શી જાય છે. એ અંદરના અંધારાને ઉઘાડું પાડી દે છે. અને આ આવી પડેલા બહારના અંધારાએ અંદરના ઉજાસને જરીક ધક્કો માર્યો. દીવે દીવાને પ્રગટાવ્યો..  

વર્ષો સુધી નહીં કપાયેલું એક માનવીથી બીજા માનવી સુધીનું અંતર ક્ષણોમાં કપાયું અને હવે શું વીજળી આવી જતાં ફરી એ જ અપરિચયનું અંધારું ફરી વળશે ? માંડ પ્રગટેલા અંદરના અજવાળાને બહારનો ઝગમગાટ શું ફરી ઓલવી દેશે ? ફિર વોહી રફતાર ? અહીં વક્રતા છે, વેદના છે, ચીસ છે. અહીં કવિતા એની પૂર્ણ ઊંચાઇને આંબે છે. ચૌદ પંક્તિઓનું આ અછાંદસ અંતે ચોટ આપી જાય છે.

દિવ્ય ભાસ્કર * કાવ્યસેતુ 116 * 17 ડિસેમ્બર 2013 (ટૂંકાવીને)

OP 13.6.22

***

આભાર

17-06-2022

આભાર મેવાડાજી, છબીલભાઈ, અરવિંદભાઇ, સિલાસભાઈ, જશવંતભાઈ, વિવેકભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા મિત્રોનો પણ આભાર

વિવેક મનહર ટેલર

14-06-2022

સરસ રચના

સાજ મેવાડા

13-06-2022

આપનું આસ્વાદિક વિવવરણ વગર આ કવિતા સમજવી અઘરું હતું.

ડૉ. સિલાસ પટેલિયા.

13-06-2022

અંધારપટ પણ કદીક. કદીક એવા અજવાસની લકીર પ્રગટાવી જાય છે કે
જીવનની અણદીઠી ભોમકાનો સાક્ષાત્કાર થઈ જાય. છે અને આ અસ્તિત્વ
એવી વિરલ ધન્ય પળોથી. છલકાઈ ઊઠે છે. પણ હવેના. આપણા. જીવનની વક્રતા એ. છે કે જે સહજ હતું એ વિરલ થતું જાય છે.

ખૂબ મજાનું કાવ્ય.l
લયબધ્ધ.
સહજ ભાવ ને સરળ.
અભિનંદન.

આભાર, લતાબહેન.

જશવંત મહેતા

13-06-2022

અંધારાનો ઉઘાડ કાબિલે દાદ છે.
સલામ સર્જનનને અને સર્જકને.

અરવિંદ બારોટ

13-06-2022

સરસ રચના છે. આનંદ

છબીલભાઈ ત્રિવેદી

13-06-2022

આજનુ મિનાક્ષી પંડિત નુ અછાંદસ માનવિય સંવેદના ઓ પ્રગટ કરે છે હાલાત જ અેવા છે કે માનવિય સંવેદના મ્રુતપાય થઈ રહી છે આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top