ઉજમશી પરમાર ~ કોડિયા નહીં * Ujamshi Parmar

કોડિયાં એલી નહીં ~ ઉજમશી પરમાર 

કોડિયાં એલી નહીં રે મીં તો જેગવી દીધાં તન
જંપવા દેતું હોય લગીરે, તોય આ મારું મન.

સાંજ પડે ને વાયરે કોનાં પગલાં ભીનાં વાય
દોડવું મારે નહીં ને અલી દોડું દોડું થાય
હીંચવા માંડે ઘર ભરીને ગાણાનું ગવન.  

ટોડલાં મૂઆં ટહુકે મારે શરમાવાનું રયું
નેવાં ઊઠી ડોકિયું કરે, રોજનું આ તો થ્યું
ભીંતમાં ગરું તોય તે યાંથી આવશે રે સાજન..

કોક જો આવે હાથનું ભરત મેલી ઊભી થઉં
ફળિયું મારી મોર્ય લળીને જોવે પછી હઉં
’ઇ’ હશે તો દોટ મેલીને પરખી લ્યે પવન…

ઉજમશી પરમાર

કવિની નાયિકા કોડિયાં નહીં, તન ‘જગવી દે’ છે. અહીં ‘જગવી દીધા’ જેવો ગામઠી પ્રયોગ ખૂબ રસપ્રદ બની ગયો છે. પિયુની વાટ તનમનમાં જે આગ લગાડે છે એનું અહીં રસભર્યું નિરૂપણ છે.

કવિના આ ગીતમાં કેટકેટલાં પ્રતિકો જીવંત બની ઊઠ્યાં છે. કાવ્યમાં નિરૂપેલાં બધાં જ પ્રતિકોમાં પૂરેપૂરાં માનવીય ભાવોનું આરોપણ થયું છે. વાયરાની સાથે પગલાં વાય છે અને ગાણાનું ગવન ઘર ભરીને હીંચ્યા કરે છે. ટોડલાં ટહૂકે છે ને નેવાં ડોકિયાં કરે છે. અરે, ફળિયુંયે લળી લળીને જુએ છે. કવિતાના શબ્દો ગાનને એકદમ અનુરૂપ છે. આખાય કાવ્યનો એક અખંડિત લય છે અને એમાં વહે છે મીઠો પ્રતિક્ષા રસ….. જોબનનો આ કદીય ન ખૂટનારો ભાવ છે.

OP 8.6.22

**

આભાર

11-06-2022

પ્રતિભાવ આપનારા સૌ મિત્રોનો દિલથી આભાર

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા મિત્રોનો પણ આભાર

વિવેક મનહર ટેલર

09-06-2022

સ-રસ રચના.

Parbatkumar Nayi

08-06-2022

વાહ
સરસ ગીત

આભાર

08-06-2022

સિકંદરભાઈ અને લલિતભાઈ સાચી વાત. શરતચૂકથી બીજો ફોટો મુકાઇ ગયો હતો. ભૂલ સુધારી લીધી છે. ધ્યાન દોરવા બદલ આભારી છું.

દીપકભાઈ, સરલાબહેન, રેખાબહેન, છબીલભાઈ અને સૌ મિત્રોનો આભાર.

Dipak Valera ADVOCATE

08-06-2022

ખૂબ સરસ અને સરળ ગીત જેગવી દેવો ગામઠી તળપદો શબ્દ બહુ ગમ્યો આખું ગીત મજા પડી અભિનંદન કવિ
લતા બેન આપને પણ

લલિત ત્રિવેદી

08-06-2022

કવિ શ્રી ઉજમશી પરમાર…. એક ખૂબ સારા વાર્તા સર્જક અને ગીત કવિ… પણ પોંખાયા બહુ જ ઓછા… આપે આ ગીત નો સરસ આસ્વાદ કરાવ્યો…

Sarla Sutaria

08-06-2022

ખૂબ સરસ ગામઠી ગીત.
ટોડલા, નેવા, ગરુ, જેવા અસલ શબ્દો વાંચી મજા આવી ગઈ.

છબીલભાઈ ત્રિવેદી

08-06-2022

ઉજમશી પરમાર નુ ખુબ સરસ ગીત ગામઠી શબ્દ પ્રયોગ કાવ્ય ને ઓર ઉઠાવ આપે છે વાહ સરસ આભાર લતાબેન

સિકંદર મુલતાની

08-06-2022

વાહહ..
સરસ ગીત..
ઉજમશીભાઈનું આ ગીતનું પઠન કર્ણપટ પર તાજું થયું..
તા.ક.
ઉજમશીભાઈના ફોટાની બદલે અહીં કોઈ બીજો ફોટો મૂકાયો છે…

રેખાબેન ભટ્ટ

08-06-2022

કવિશ્રી ઉજામાશી પરમાર નું આ ગીત એમના જ કંઠે સાંભળવાનો લ્હાવો મળેલ છે . ગાંધીનગરમાં રહેવાનો આ લાભ.
કવિશ્રી દલપત પઢીયાર અને હરેકૃષ્ણ પાઠક સાહેબ ને પણ સાંભળવાનો લ્હાવો મળ્યો છે. ખૂબ સુંદર ગીતો….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top