માતા અનસૂયા ઝુલાવે – હાલરડું
માતા અનસૂયા ઝુલાવે પૂતર પારણે રે!
ત્રણે દેવો આવ્યા અત્રિ ઋષિને આશ્રમે રે
માતા અનસૂયાનું સત છોડવા કાજ
માતા અનસૂયા ઝુલાવે પૂતર પારણે રે!
અતિથિ રૂપે આવ્યા ભિક્ષા લેવા કારણે રે
સતી દિગમ્બર રૂપે ભિક્ષા આપો આજ. – માતા
સતીએ અંજલિ ભરીને દેવોને માર્જન કર્યા રે;
બનિયા બાળક રૂપે ત્રણે અતિથિ દેવ. – માતા
માએ પૂતરભાવે પયનાં પાન કાવિયાં રે,
તેના પુન્ય તણો ત્યાં રહ્યો નથી કાંઈ પાર. – માતા
વાઢ્યા આલાલીલા ચોગઠ ચારે વાંસડા રે,
તેનો ઘડિયો છે કાંઈ પારણિયાનો પાટ. – માતા
પારણું વળગાડ્યું છે આંબા કેરી ડાળીએ રે;
તેમાં પોઢાડ્યાં છે ત્રણે અતિથિ-બાળ. – માતા
સતીએ હીરલા દોરી લીધી છે કંઈ હાથમાં રે;
માતા હલવલ! હલવલ! કરી હાલરડાં ગાય. – માતા
મારા કાળા ગોરા ઘઉંલા કુંવર કાનજી રે;
તમારા નામ ઉપરથી જાઉં હું તો બલિહાર. – માતા
બ્રહ્મા, વિષ્ણુ, શંકર, બાળા, પોઢો પારણે રે;
સૂઈ જાઓ ઉમિયા લખમી સાવિત્રીના કંથ. – માતા
પ્રભુએ મે’ર કરી મનગમતાં બાળક આપિયાં રે
ભાંગ્યાં વાંઝી-મેણાં, અતિ ઘણો આનંદ. – માતા
કાકા, મામા, માશી બોલો મારાં બાળકાં રે!
જે કોઈ બોલે એને આપું ફૂલનો હાર! – માતા
ત્રણે સતિયું ચાલી માતા પાસે જાચવા રે;
માતા અનસૂયાજી આપો અમારા કંથ. – માતા
માતા અનસૂયાજી મુખથી એવું બોલિયાં રે;
સતિયું ઓળખી લ્યો તમ સૌ સૌના ભરથાર. – માતા
OP 6.6.22
આભાર
11-06-2022
આભાર છબીલભાઈ, જયશ્રીબેન
‘કાવ્યવિશ્વ’ના સૌ મિત્રોનો આભાર
Jayshree Patel
06-06-2022
દત્તાત્રેયનો સુંદર જન્મ ને સતીઓના ભરથારનાં પારખા સરસ હાલરડું છે🙏
છબીલભાઈ ત્રિવેદી
06-06-2022
હાલરડુ માણવા ની ખુબજ મજા આવી જુદા જુદા હાલરડા આપણી ભાષા નુ ગૌરવ છે શિવાજી નુ હાલરડુ ખુબ સરસ છે ચેલૈયા નુ હાલરડુ પણ સરસ છે આભાર લતાબેન
