રમેશ પારેખ ~ વૃક્ષો જોયાનો Ramesh Parekh

વૃક્ષો જોયાનો થાય ~ રમેશ પારેખ

વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે

કોની ઈચ્છાઓ તપે આકરી કે આપણા આ શબ્દોને ફૂટે નહીં જીભ ?
બાંધી ગયું છે કોણ હોવાની ડાળીએ ખાલીખમ બોલ્યાની ઠીબ ?
દ્રશ્યો જોવાનો ભાર લાગે કે ઊગે ને આથમે છે પ્હાડ હવે પાંપણે ?

નિશ્ચય તો તૂટીને તળિયે ડૂબ્યાને બધે ઘૂઘવતું સ્થિતિનું તાણ
આયનાના દરિયામાં શોધે છે આપણને સદીઓથી ડૂબેલું વહાણ
પોતાની કડકડતી એકલતા લઈને સૌ બેઠા છે ટોળાને તાપણે….

સામેની ટેકરીના ઊભા અનન્ત ઢાળ વીંધીને પ્હોંચવું છે ક્યાંક
પગના અભાવ વિષે જોયા જોયા કરવાનું : કદી આપણને ફૂટવાની પાંખ
જીવતરના કાચમાં પડેલી તીરાડ સમા કારણ વિનાના છીએ આપણે…

રમેશ પારેખ

રમેશ પારેખનું એક લાક્ષણિક ગીત.   

કયો ઝૂરાપો, કેવો મુંઝારો કવિને પીડતો હશે ? પાંપણે પહાડ ઊગે એ ઘટના પીડાની પણ એમાં જે કાવ્ય પ્રગટે છે !!  ‘શબ્દોને જીભ ફૂટવા’ કે ‘પોતાની કડકડતી એકલતા લઈ સૌ બેઠા છે ટોળાને તાપણે’ જેવાં અઢળક કલ્પનોએ ગુજરાતી કાવ્યસાહિત્યને સમૃદ્ધિની ટોચ પર બેસાડી દીધું છે. રમેશ પારેખ એટલે રમેશ પારેખ !

OP 17.5.22

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top