પી જાઉં
જામની ખાલી ક્ષણને પી જાઉં,
આમ, તારા સ્મરણને પી જાઉં.
હું ચસોચસ પીવાનો આદી છું,
બુંદ હા કે ઝરણને પી જાઉં.
મારા હોવાપણામાં તું રજરજ,
તારા એક એક કણને પી જાઉં.
જેમાં તારા બદનની ખુશબૂ હો,
એવા વાતાવરણને પી જાઉં.
તે જે મળવાની શકયતા આપી,
એવા પ્રત્યેક પણને પી જાઉં,
ઝાંઝવાને નીચોવી જાણું છું,
‘મીર’ ધગધગતા રણને પી જાઉં.
~ રશીદ મીર
ઉત્કટતાની અનુભૂતિ આથી વધુ સારી રીતે વ્યકત શકાય ? કદાચ ના…. પ્રેમમાં ‘તારા એક એક કણને પી જાઉં’ જેવી અનુભૂતિ ન આવે તો જરૂર કોઈ કચાશ રહી ગઈ !! એક એક શેર – ના, ટીપે ટીપે ન પી શકાય…. એકી શ્વાસે પી જવા પડે…..
કવિની પૂણ્યસ્મૃતિ દિને સ્મૃતિવંદન
OP 11.5.22
***
છબીલભાઈ ત્રિવેદી
13-05-2022
રશીદમીર નુ કાવ્ય ખુબજ સરસ આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે સાદર પ્રણામ
વિવેક મનહર ટેલર
12-05-2022
મજાની રચના
છબીલભાઈ ત્રિવેદી
12-05-2022
રશીદમીર નુ કાવ્ય ખુબજ સરસ આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે સાદર પ્રણામ
સાજ મેવાડા
11-05-2022
રશીદ મીર સાહેબને સ્મૃતિ વંદન.
“એક માળીની કબર સામે હવે,
ફૂલના રૂદન તણું ઝાકળ હશે.”. – ‘સાજ’ મેવાડા
હરીશ દાસાણી.મુંબઈ
11-05-2022
તીવ્ર અભીપ્સાનું સંવેદનશીલ શિલ્પ
