કદી તું ઘર તજી ને રે ~ ધ્રુવ ભટ્ટ
કદી તું ઘર તજીને રે
વગડે લીલા ઘાસમાં ઉગ્યા ફૂલ ઉડેલી ધૂળમાં તારી જાતને ખોને રે …
સુખ મોટું કે નામ નથી કાંઈ રે,
બાગ બગીચા ગામ નથી કાંઈ રે,
આવ અહીં તું, ઊગવું અને તડકા છાયા રમવા સિવાય કામ નથી કાંઈ ;
અમે છૈ એમ તું હોને રે…
કેટલા સૂરજ કેટલા ચાંદા,
ગણવા તારે કેટલા દહાડા,
સાંપડ્યો સમય પગથી માથાબોળ જીવી લે, ગણવા જા મા ટેકરા ખાડા રે ;
જાગ્યો તો એમ તું સોને રે..
~ ધ્રુવ ભટ્ટ
એક મસ્ત મૌલા એની મસ્તીમાં બાઉલ ગીતો ગાતો હોય અને એ મનભરીને સાંભળ્યુ છે, એની મસ્તી નીરખી છે અને એ દૃશ્ય આજે ફરી આંખ સામે તાજું થયું. આ તમને સૌને એ વહેંચ્યું… આ ગુજરાતી ગીતમાં પણ બાઉલ ગીતની મસ્તી છલોછલ ભરી છે….
કવિ ઘર તજવાનું કહે છે ? ના, એ કહે છે, ‘હોવા’નો ભાર તજી દે ને જે સમય સાંપડ્યો છે એમાં ઘાસનું ફૂલ બની માથાબોળ નાહી લે…. હળવોફૂલ બની જા….
કવિના જન્મદિને વ્હાલભર્યા વંદન.
OP 8.5.22
કાવ્ય : ધ્રુવ ભટ્ટ સ્વર મેઘા ભટ્ટ અને શ્યામલ ભટ્ટ
