હાંકવી કેમ વૃક્ષની હોડી
હાંકવી કેમ વૃક્ષની હોડી,
પૂછ પંખીને હાથ બે જોડી.
ધરતી ફાડીને કૂંપળો ફૂટે,
એમ ફૂટું હું જાતને ફોડી.
જેમ તસ્વીર ભીંતમાં ચોડી,
એમ ક્યારે અગરબત્તી ખોડી.
જોઈ કીડીને ડૂબતી જળમાં,
પાંદડું ફેંક ડાળથી તોડી.
છોડ માફક ગયો હું રોપાઈ,
ક્યાં જવું તારું આંગણું છોડી!
~ દર્શક આચાર્ય
વૃક્ષ અને પંખી વચ્ચે કેવું સાહચર્ય હશે ! શબ્દો વગરની ભાષામાં બંને વચ્ચે સંવાદ થતાં હશે ! સ્પર્શથી એકબીજાના ભાવ અનુભવી શકતા હશે ! આ પ્રથમ શેર કૂંપળની માફક કોળી ઉઠ્યો છે.. તો છેલ્લા શેરનો ભાવ પણ લાગણીથી લથબથ કરી જાય છે…
