આસિમ રાંદેરી ~ કંકોતરી * Aasim Randeri

કંકોતરી ~ આસિમ રાંદેરી

મારી એ કલ્પના હતી, વીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,
ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને !

સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે !

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ-કાવ્યોની કોઇ કિતાબ સમ !
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,

શિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મારી ઉપર સભાને હસાવું નહીં કદી,
દીધેલ કૉલ યાદ અપાવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી,
દુઃખ છે હજાર, તો ય હજી એ જ ટેક છે,
કંકોતરી નથી, આ અમસ્તો વિવેક છે !

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે-
જ્યારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.
ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
તકદીરનું લખાણ છે, કંકોતરી નથી !

કાગળનો એક કટકો છે જોવામાં એમ તો,
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો,
સુંદર, સળંગ રમ્ય છે શોભામાં એમ તો,

છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો,
કોમળ વદનમાં એના, ભલે છે હજાર રૂપ,
મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ !

એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
સંયમમાં હું રહીશ, બળાપા નહીં કરું,
આવેશમાં એ ‘ફૂલ’ ના કટકા નહીં કરું.

આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
‘લીલા’ના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં.

‘આસિમ’ ! હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
એ પારકી બની જશે, હું એનો એ જ છું !

આસિમ રાંદેરી (સૂબેદાર મહમૂદમિયાં મોહમ્મદ ઈમામ) 15.8.1904 – 5.2.2009

OP 5.2.22

લીલાકાવ્યો’ ના સર્જક તરીકે જાણીતા સુરતના જનાબ અસિમ રાંદેરીની આ રચનાના કેટલાક અંતરાઓને પોતાનો અવાજ આપીને મનહર ઉધાસે ખૂબ લોકપ્રિય બનાવી દીધી છે. આ લાંબી નઝમ ખાસ લયસ્તરોનાં સૌજન્યથી..  

તા. 15 ઓગસ્ટે જન્મેલા આ કવિને વળી ગુજરાતી પુરસ્કાર અને કલાપી પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.

‘લીલા’ (૧૯૬૩) એમનો મુખ્યત્વે પ્રણયકાવ્યોનો સંગ્રહ છે. એમાં લીલાના એક જ પાત્ર પર લગભગ કથાસ્વરૂપની સંકલનાબદ્ધ પંચ્યાશી રચનાઓ છે. આ કાવ્યો છૂટાંછૂટાં તેમ સળંગ પ્રણયકથા તરીકે પણ આસ્વાદ્ય છે. બાનીની સરળતા અને પ્રાસાદિકતા એમનાં ગઝલ-ગીતોની લાક્ષણિકતા છે. ‘શણગાર’ (૧૯૭૮)માં ૧૯૨૭ થી ૧૯૭૮ સુધી રચાયેલ ગઝલો-મુક્તકો ઉપરાંત જુદા જુદા વિષયો પરનાં નઝમો-ગીતો સંગૃહીત છે. અહીં એમનાં ગીતો પણ ગઝલસ્પર્શી છે અને અભિવ્યક્તિની સાદગી કાવ્યરસિકને આકર્ષનારી છે.

માહિતી સૌજન્ય : ગુજરાતી સાહિત્ય પરિષદ

સાંભળો મનહર ઉધાસના કંઠે આ લોકપ્રિય નઝમ.

કાવ્ય : આસિમ રાંદેરી * સ્વરાંકન અને સ્વર : મનહર ઉધાસ

****

છબીલભાઈ ત્રિવેદી

06-02-2022

આસિમ રાંદેરી ની રચના કંકોતરી ખુબજ સરસ અને મનહર ઉદાસ નો કંઠ સોના મા સુગંધ ખુબ ખુબ અભિનંદન

Dipti Vachhrajani

05-02-2022

જોરદાર , જોરદાર રચના.
ખૂબ આભાર લતાબેન share કરવા માટે.

સાજ મેવાડા

05-02-2022

વિજાતીય પ્રેમની હકિકત, વેદના અને સ્વિકાર બધું જ આવી ગયું. વાહ વાહ. નઝમને અનુરુપ સ્વરાંકન અને ગાયન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top