ધૂળ – પ્રવીણ દરજી * Pravin Darjee

અમે ધૂળના,
લથબથ ધૂળથી રગદોળાયા ઉપર-નીચે
આજુબાજુ, બધેય બસ ધૂળ, ધૂળ ને ધૂળ

સ્તોત્ર અમારું, ગોત્ર અમારું
મૂળ અમારું, કુળ અમારું
ધૂળ, ધૂળ ને ધૂળ

ધૂમ મચાવે ધૂળ બધે આ
ગંધ એની ને- રંગ-જંગ પણ એનાં

ગાન-નાચની વાત અરે, શી!
સાન-ભાન પણ ત્યાંથી

હ્રાસ અને ઇતિહાસ બધું ત્યાં ધૂળ કથા થઈ ધબકે,
ચરણ ચાલતાં એના સ્પર્શે, મસ્તકને એ કર્ષે
રંધ્ર રંધ્રમાં રજ ભળી જે વ્રજ થઈને મહેકે
બરસાનાના મત્ત મયૂરશી અંગ-અંગ એ ગહેકે
ઘેરૈયો થઈ ઘૂમે-ઝૂમે

ને અમે ય તે
આખેઆખા રજોટાયેલા
ધૂળરાજનો વેશ ધરીને ફળિયું માથે લઈએ

ધૂળ ધ૨મ છે, ધૂળ કરમ છે
ધૂળ શ્વાસ ને ધૂળ વાસ છે
રાજપાટ પણ એનાં, એનાં, એનાં…

~ પ્રવીણ દરજી

કાવ્યનું શીર્ષક ‘ધૂળ’ એ જીવન સાથે જોડાયેલું લાગે છે. વાત માટીની/ધૂળની છે અને આ કાવ્ય વાંચતાં કનૈયાના ઉઘડેલા મોંમાં મા યશોદાને બ્રહ્માણ્ડ દેખાય/બતાવે છે એવી કંઈક અનુભૂતિ થાય છે. સંદર્ભ પણ કવિએ હળવેકથી મૂક્યો છે, ‘વ્રજ થઈને મહેકે…’ કવિની કલમથી ઉપસતી, ઉમડતી, ગહેકતી, ઘુમતી, ઝૂમતી માટી અહીં ધરતીથી આકાશ, પૃથ્વીથી બ્રહ્માણ્ડ ને જીવનથી એક અદીઠ પ્રદેશ સુધીની સફર કરાવે છે તો કાવ્યમાં પ્રાસના પ્રવાહો અને શબ્દોના આવર્તનો લયને લહેરાવે છે. આ કાવ્ય વાંચ્યા પછી ‘ધૂળ જેવું’ બોલચાલનો શબ્દપ્રયોગ કેવો વરવો લાગે ! 

જુદી જ ભાત લઈને આવતા આ સંગ્રહને દરેક કાવ્ય માટે આસ્વાદો પણ મળ્યા છે. અહીં કવિના કાવ્યો મોટેભાગે સ્વસંવાદરૂપે શરૂ થઈ એક અનોખા ભાવવિશ્વમાં તાણી જાય છે….  એક ઉદાહરણ

‘અવાવરુ ઘરની જીર્ણ-વિશીર્ણ દીવાલને ફૂટી આવી છે, ઈશ્વરની હથેળી જેવાં કૂણાં પર્ણવાળી પીપળાની એક ડાળખી….’

આવા અનેક કાવ્યોનો સમુચ્ચય એટલે ‘અથ च’. પદ્મશ્રી ડો. પ્રવીણ દરજી એમના નવા કાવ્યસંગ્રહના પ્રારંભે લખે છે, ‘ આ કાવ્યો એ માત્ર આંખથી જોવાયેલું, કાનથી સંભળાયેલું જ નહીં, ઉભયનું અવળસવળ પણ અહીં છે. ભાષાલીલા અને જીવનલીલા ઉભયના રૂપ-અરૂપનું આ વિશ્વ છે.’

કવિના છઠ્ઠા કાવ્યસંગ્રહ ‘અથ च’ના અવતરણ(2020)ને ‘કાવ્યવિશ્વ’માં આવકાર અને કવિને વંદન સહ આભાર.

15.1.22

***

સર્જક ડો. પ્રવીણ દરજીનો પરિચય

ગીતા

15-01-2022

માટીમાંથી બનતું, માટી થી પોષાતું આ શરીર પ્રવીણભાઈ ધુળ નામે આલેખીને બ્રહ્માંડ સુધીની વાત કરી રહ્યા! ખુબ મજા આવી! થેન્ક્યુ લતાબેન!

સાજ મેલાડા

15-01-2022

પદ્મશ્રી પ્રવિણ દરજી સ1હેબને યાદ, અભિનંદન અને શુભેચ્છાઓ. નમસ્કાર. આદરણીય લતાજીએ સરસ આસ્વાદ ડરાવ્યો છે.

છબીલભાઈ ત્રિવેદી

15-01-2022

આજનુ ડો. પ્રવિણ દરજી સાહેબ નુ કાવ્ય ધૂળ ખરેખર ખુબજ સરસ ધૂળ માટી શબ્દ તો આપણા જીવનમાં સંકળાયેલો છે આપણે પણ માટી માંથીજ ઘડાયા છીએ આવા અવનવા કાવ્યો નો રસથાળ અેટલે આપણુ કાવ્યવિશ્ર્વ ખુબ ખુબ અભિનંદન.

Varij Luhar

15-01-2022

પ્રવીણ દરજી સાહેબ નું કાવ્ય ખૂબ ગમ્યું

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top