સુરેન ઠાકર ‘મેહુલ’ ~ કોઈ ઉકેલી * Suren Thakar

કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી,
ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી.

જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી,
જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી.

પાસમાં એ છે અને હું ઝાંઝવાં જોયા કરું,
કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી.

એટલે આ બહાવરી આંખો જુએ ચારેતરફ,
કીકીઓ છે આપણી ભૂલી પડેલી જિંદગી.

લોકનાં ટોળાં કિનારે ઓર વધતાં જાય છે,
સૂર્ય સમજીને જુએ છે અધડૂબેલી જિંદગી.

આવડે તો શોધ, એમાંથી તને મળશે ઘણું,
છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી.

એટલે આ પાંપણો બીડાઈ ગઈ ‘મેહુલ’ તણી,
હાથતાળી દઈ ગઈ’તી સાચવેલી જિંદગી.

~ સુરેન ઠાકર ‘મેહુલ’

જીંદગીની ફિલસૂફી અનેક વાર વાંચી હોય, સેંકડો વાર વિચારી હોય ને એને જીવનમાં ઉતારવાના પ્રયત્નો તો… જવા દો, એ જુદી વાત થઈ… સવાલ એ છે કે આવી વાત સીધી અંદર ઉતરી જાય એ રીતે કહેવામાં કવિતાને કોઈ ન પહોંચે, ગદ્ય તો બિચારું સાવ પાછળ પણ કવિતામાંય આવા નવતર પ્રતીકો અને સાધેલા તીર જેવા શેર…. શોધો… બહુ ઓછા મળશે…

5.1.22

***

સુરેશ ‘ચંદ્ર’ રાવલ

07-01-2022

ગોઠવેલી જીંદગી ગમે ત્યારે હાથતાળી આપી જાય તેની ક્યાં છે ખબર…
બહાવરી આંખો ને કીકીની વાત સરસ રીતે આવી છે…વાહ સરસ ગઝલ છે….

સાજ મેવાડા

06-01-2022

“કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી,
ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી.”
આ મત્લાના શૅરની પંકતીઓમાં જ જીંદગીની ફીલોસોફી કહેવાય ગઈ છે, પછીનો એનો વિસ્તાર લાગે છે.

છબીલભાઇ ત્રિવેદી

05-01-2022

આજની સુરેન સાહેબ ની રચના જિંદગી ખુબ સરસ જિંદગી ઉપર ઘણા કવિઓ એ લખ્યું છે નવિનતા વાળા શેર ખુબ સરસ રચના ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

દિવા ભટ્ટ

05-01-2022

જિંદગી શાયરી મા બહુ વપરાએલ શબ્દ છે પણ અહીંયાં દરેક શેર માં જુદી-જુદી વ્યાખા તેને નવા-નવા અર્થ પૂરી ને વિશિષ્ટ બનાવી દે છે

Varij Luhar

05-01-2022

કોઈ ઉકેલી ના શકે… સુંદર ગઝલ

અર્જુનસિંહ.કે.રાઉલજી.

05-01-2022

વાહ વાહ જિંદગીને જોવાની અને જાણવાની રીત તો કવિશ્રી સુરેન ઠાકર પાસેથી જ શીખવા જેવી છે . જીંદગીની ફિલસૂફીની આ વાત ગળે ઉતારી દેવા જેવી છે અભિનંદન સુરેન ઠાકર સાહેબને અને લત્તા મેડમને પણ આવી સુંદર કવિતા રજૂ કરવા બદલ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top