જીવી ગયાં
હું, તમે ને આપણે જીવી ગયાં
બંધ એવા બારણે જીવી ગયાં.
સાવ કોરા ઓરડા ને ઉંબરા,
સાવ સૂના આંગણે જીવી ગયાં !
હાડ તો થીજી ગયું’તું આખરે
આંસુઓના તાપણે જીવી ગયા.
એમનો ભેટો ફરીથી ના થયો,
છેવટે સંભારણે જીવી ગયાં.
જે ટહુકતું એ ટપકતું આંખથી,
એમ ભીની પાંપણે જીવી ગયાં.
શ્વાસની સરહદ સુધી પ્હોંચ્યાં હતાં,
તોય પણ શા કારણે જીવી ગયાં ?
આમ અવલંબન હતું ક્યાં કાંઈ પણ ?
એક કાચા તાંતણે જીવી ગયાં !
~ નીતિન વડગામા
જીવવું અને જીવી નાખવું એ બેમાં ફેર શું ? આ ગઝલ વાંચો. જીવે છે તો બધા. જન્મ ધરીને એ એક કામ તો કરવાનું જ છે પરંતુ જીવવામાં ‘જીવન’ મોટેભાગે હોતું નથી અને આશ્ચર્ય કે મોટાભાગના લોકોને એની ખબર પણ નથી હોતી, માણસનું મન આટલી હદે મિકેનીકલ થઈ જાય એ કેટલી પીડાની વાત છે ! ‘જે ટહુકતું એ ટપકતું આંખથી’ અહીં ‘ટહુકતું’ અને ‘ટપકતું’ શબ્દો હાશ અને હુતાશ બેય સાથે પીરસે છે. સલામ કવિ !
10.12.21
****
સુરેશ ‘ચંદ્ર’ રાવલ
13-12-2021
જીવનને જીવવાનો મરમ સમજાવી ગૈ ગઝલ….સરસ
આભાર મિત્રો
11-12-2021
આભાર વારીજભાઈ, મેવાડાજી અને છબીલભાઈ.
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.
Varij Luhar
11-12-2021
વાહ .. ખૂબ સરસ ગઝલ..
કવિશ્રી નીતિન વડગામા ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 💐
સાજ મેવાડા
10-12-2021
સમય માણસને જીવતાં શિખવાડી દે છે, અદભૂત અભિવ્યક્તિ.
છબીલભાઈ ત્રિવેદી
10-12-2021
આજનુ નિતીન વડગામા સાહેબ નુ કાવ્ય ખુબજ સરસ જીવન તો બધા પુરૂ કરેછે પણ આ જીવન ની સાર્થકતા અેછે કે તમે પરમાર્થ અર્થે કેટલુ જીવ્યા ખુબ ખુબ અભિનંદન
