એવું નથી કે તું નથી તો ~ કવિતા મૌર્ય
એવું નથી કે તું નથી તો જિંદગી કૈં પણ નથી,
બસ ઘાત ને આઘાત સામે લાગણી પગભર નથી.
ક્યારેય નહીં માપી શકો આ શક્યતાના પાણીને
હા જોઈ લ્યો મુજને જરા સાગર છું કૈં ગાગર નથી.
આકાર જેનો ગોળ છે એ પૃથ્વીનો હું ભાગ છું
હોવાપણું છો ને ભલે મારું અહીં કૈં પણ નથી.
હડસેલી દેતે બેધડક મારા હૃદયમાંથી તને
છે એ જ મારી સૌમ્યતા કે હું હજી હદ પર નથી.
ઓ શૂન્યતા તું ચાલતી થા મારી ભીતરથી હવે,
નાજુક હૃદય છે મારું, તારું કાયમી કૈં ઘર નથી.
~ કવિતા મૌર્ય
સુરતના આ કવિ સરસ મજાની ગઝલો લખે છે. મત્લાના શેરની પ્રથમ પંક્તિમાં ખુદ્દારી ભરી છે તો બીજી લાઇનમાં પોતાના લાગણીભર્યા સંવેદનો પ્રગટાવવાથી જાણે સંબંધમાં એક બેલેન્સ ઊભું થઈ જાય છે. અને એવું જ કૈંક ચોથા શેરમાં…. છેલ્લો શેર પણ સરસ થયો છે.
7.12.21
આભાર આપનો
10-12-2021
આભાર મેવાડાજી અને છબિલભાઈ.
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.
છબીલભાઈ ત્રિવેદી
08-12-2021
આજની કવિતા મોર્યની રચના ખુબસરસ બધા શેર મજા ના, અવનવી કવિતા નો ભંડાર અેટલે કાવ્ય વિશ્ર્વ ખુબ ખુબ અભિનંદન
સાજ મેવાડા
07-12-2021
વાહ, માનનીય કવિતાજીની ખુદ્દારી ગમી, સાથે દિલની નજાકત પણ ઘણા શેરમાં ઉભરી આવે છે.
