ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી
હું તો નગરનું ઢોલ છું દાંડી પીટો મને
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી
શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી
નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ
હું ઢોલ છું, પીટો મને કૈં પણ થતું નથી
સાંત્વનના પોલાં થીગડાંમાં સૂઈ ગઈ છે રાત
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી.
કવિ જવાહર બક્ષીની આ અતિવિખ્યાત ગઝલ. પ્રત્યેક શેર લાજવાબ !
કોઈ ઓલિયો, ફકીર, સાધુ, સંત માનવીના જીવન વિશે કહે તો શું કહે ? ‘મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી’ મત્લાના શેરની આ બીજી પંક્તિ જીવનની ફિલોસોફીને કમળની પાંખડીઓ ખૂલે એમ ખોલી આપે છે. જરા આંખ બંધ કરીને આ શબ્દોને લઈને અંદર ઝાંકીએ તો અજવાળું થઈ જાય.. કવિની સંવેદના ભાવકની ચેતનામાં પ્રવેશી એક ઝંઝાવાત જગાડે છે, મૂળથી હલબલાવી દે છે.
ટોળામાં જીવતા ‘ખાલી’ માણસને નગરનો ઢોલ પણ જગાડી શકતો નથી, અથવા એમ પણ કહી શકાય કે ટોળામાં જીવતા માનવીની ચામડી જાડી બની જાય છે ! સંવેદનાહીન જીવન શા કામનું ? આસપાસ આવા અનેક ઉદાહરણો ‘જીવતા’ મળી આવશે ! જીવનની અપાર યાતનાઓમાં વિન્ધાતા રહેતા અને છતાં જીવ્યે જતા માણસને નતમસ્તક વંદન જ કરી શકાય ! પીડા પરમાત્મા સુધી પહોંચવાનું સાધન છે…. ‘હું છું’ અને ‘હું નથી’ આ બંને વાત જીવનનું પરમ સત્ય છે. એક પછી એક શેર મનને અતલ ઊંડાણમાં ખૂંપાડતા જાય છે. જાત સામે પ્રશ્નોની ફોજ પણ ખડી કરતા જાય છે…. બસ છેલ્લા શેરમાં કવિને ‘બીડી’ શબ્દનો પ્રયોગ કેમ સૂઝયો એનું થોડું આશ્ચર્ય છે.
કવિએ પોતે કહ્યા મુજબ, એમણે લગભગ સાડા આઠસો જેટલી ગઝલ લખી હતી. પછી એમાંથી પોતે જ સાતસો જેટલી ગઝલ રદ કરી અને માળાના મણકાની જેમ 108 ગઝલનો સંગ્રહ આપ્યો… ‘તારાપણાના શહેરમાં’. ઉપરની માત્ર એક ગઝલ પણ બતાવે છે કે આ કલમમાંથી નીપજે એ સઘળું સોનું જ હોય ! ત્યારે કવિ સામે મીઠી ફરિયાદ કરવાનું મન થાય કે આવું શા માટે કર્યું ?
આશિત દેસાઈના સંમોહક અવાજમાં સાંભળો આ ગઝલ.
19.11.21
કાવ્ય : જવાહર બક્ષી સ્વર : આશિત દેસાઇ
*****
જીતુ કોટક
30-11-2021
વાહ ખુબ સરસ ગઝલ
Jltu joshi
24-11-2021
વાહ……….ગમ્યું
સાજ મેવાડા
18-11-2021
જવાહરજીની ગઝલને અનુરુપ જ લતાજી તમારો આસ્વાદ છે. કવિ ના શબ્દને જ્યારે સૂરનો સાથ મળે.ત્યારે ગઝલને પાંખો મળે છે, આસીત દેસાઈનુ સુંદર સ્વરાંકન.
છબીલભાઈ ત્રિવેદી
18-11-2021
આજની જવાહર બક્ષી સાહેબ ની રચના અતિ સુંદર કવિ ની પ્રખ્યાત રચના અને ખુબજ ભાવવાહી રીતે કાવ્ય વિષે જાણકારી આપી… આભાર લતાબેન
Varij Luhar
18-11-2021
વાહ વાહ.. કવિશ્રી જવાહર બક્ષી ની ખૂબ સરસ ગઝલ
