ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાંની
જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે
કે લાગણી ગણાય એમ પૂછીએ.
વેદના તો અડીખમ ઉભો કંઠાર, જતાં આવતાં જુવાળ ભલે કોતરે,
સુખ સાથે આપણો તો જળનો સંબંધ, ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે
છીપલાની હોડીને શઢથી શણગાર, ચાલ કાંઠો છોડીને હવે ઝૂકીએ,
પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ ફરી, ચાલ સખી જિંદગીને મૂકીએ……
ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દે’તા, એ વાતો અકબંધ મને યાદ છે,
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો, ને ઉપર આકાશ જેવો સાદ છે.
મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય, એવી લાગણીને કેમ રે ઉવેખીએ,
ઝાકળ શી જિંદગીને પાનની લીલાશ પરે, ચાલ સખી એક વાર મૂકીએ.
~ ધ્રુવ ભટ્ટ
ઝાકળના ટીપાં ને ટેરવાંના સ્પર્શ જેવી ઘટનાને લઈને જીવતો પ્રેમ મૂળમાંથી ફૂટે અને ટોચ લગી પહોંચે…. બસ એ જ શ્વાસની લીલાશ…
કવિ ધ્રુવ ભટ્ટના આંખની હળવી ભીનાશ જેવા શબ્દો, ક્ષેમુ દિવેટિયાનું મનભર સ્વરાંકન અને અમર ભટ્ટનો અનુરાગી અવાજ…
નવા વર્ષે ફરી મળીએ શબ્દ-સ્વર સાથે…
8.11.21
સ્વર : અમર ભટ્ટ સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા
*****
આભાર આપનો
12-11-2021
આભાર મેવાડાજી અને વારિજભાઈ.
‘કાવ્યવિશ્વ’ની મુલાકાતે આવનાર સૌ મિત્રોનો આભાર.
સાજ મેવાડા
09-11-2021
ખૂબજ સુંદર ગીત, સખીને પ્રેમભરી વિનંતીના ભાવમાં સુંદર રીતે ઉમંગથી લાગણીને વ્યક્ત કરી છે.
Varij Luhar
08-11-2021
વાહ વાહ.. સુંદર રચના અને સ્વરાંકન
