શયદા ~ તમારા પગ મહીં * Shayda

તમારા પગ મહીં

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું ;
હું સમજ્યો એમ – આકાશે ચડ્યો છું.

જતાં ને આવતાં મારે જ રસ્તે,
બની પથ્થર, હું પોતાને નડ્યો છું.

ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,
અને પાસે જતાં ભોંઠો પડ્યો છું.

તમો શોધો તમોને એ જ રીતે,
હું ખોવાયા બાદ મુજને જડ્યો છું.

ખુશી ને શોક, આશા ને નિરાશા,
નિરંતર એ બધાં સાથે લડ્યો છું.

પરાજય પામનારા, પૂછવું છે –
વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?

પ્રભુ જાણે કે મારું ઘર હશે ક્યાં?
અનાદિ કાળથી ભૂલો પડ્યો છું!

મને ‘શયદા’ મળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઇ પંથે પડ્યો છું. – શયદા

આખું નામ હરજી લવજી દામાણી ! પણ પ્રખ્યાત ‘શયદા’ ઉપનામથી. માત્ર ચાર ચોપડી ભણેલા આ શાયર મુશાયરાઓમાં જાન હતા

વિખ્યાત શાયર શયદા (24-10-1892 થી 30-06-1962)ની જન્મતારીખે એમને સ્મૃતિવંદન.

24.10.21

***

સાજ મેવાડા

25-10-2021

શયદા સાહેબ ની આ ગઝલ કંઇ કેટલીય વાર વાંચી હશે, છતાં ગમે છે, કારણ એમની સીધી અને સરળ ગુજરાતી ભાષા, જે એમણે ગઝલને ખરા અર્થમાં ગુજરાતી બનાવી હતી.

આભાર આપનો

25-10-2021

આભાર વારિજભાઈ અને છબીલભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

25-10-2021

આજનુ શયદા સાહેબ નુ કાવ્ય ખુબજ સમયોચિત આજે તેમના જન્મદિવસે પ્રણામ ઉપરોક્ત રચના શયદા સાહેબ ની ખુબજ જાણીતી રચના છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Varij Luhar

24-10-2021

શયદા સાહેબની શબ્દ ચેતનાને વંદન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top