સાથે છે પણ અળગાં લાગે
માણસ વચ્ચે પડદા લાગે.
દર્પણની આદત છે ભૂંડી
અવળા છે તે સવળા લાગે.
સ્વીચોમાં મોસમ અટવાણી
તડકાને શીતળતા લાગે.
થોડો અમથો ગોળ કરી દે
પથ્થરને ઈશ્વરતા લાગે.
કિસ્મત જો સાથે ના હો તો
પાણીમાં પગ બળતા લાગે.
બાળકના પ્રશ્નોની સામે
જીભે લોચા વળતાં લાગે.
મંદિરમાં માથું અફળાયું
લોકોને શ્રીફળતા લાગે.
પીનારા તો એમ જ કહેશે
પીવાથી શંકરતા લાગે.
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’
આખી યે ગઝલ સરસ થઈ છે. દર્પણની ભૂંડી આદત કે બાળકના પ્રશ્નોની સામે અટવાવું – માં કલ્પનો મજાનાં થયાં છે. પરંપરાગત વાતથી શરૂઆત કરીને કવિ ‘સ્વીચોમાં મોસમનું અટવાવું’ જેવી આધુનિક વાતને ખૂબીથી શેરમાં પરોવી શક્યા છે. એમ જ ‘ઈશ્વરતા’, ‘શ્રીફળતા’ કે ‘શંકરતા’ જેવા નાવીન્યભર્યા શબ્દપ્રયોગો, પ્રાસનિયોજનથી ઘણા વિશેષ રહ્યા છે અને અસરકારક બન્યા છે.
કવિને ગઝલ હાથવગી છે. આરંભથી અંત સુધીની રચનાઓમાં આયાસ લગભગ વરતાતો નથી. સમગ્ર કાવ્યસંગ્રહમાં અનેક શેર કાબિલેદાદ થયાં છે કે જ્યાં અટકવું અનિવાર્ય થઈ પડે. પરંપરા અને આધુનિકતાનો સમન્વય અનેક ગઝલમાં નોંધપાત્ર રીતે ઉપસી આવ્યો છે. કવિકર્મ અને શેરીયત એમની રચનાઓમાં ઉડીને આંખે વળગે છે. જૂના વિષયને નવા દૃષ્ટિકોણથી રજૂ કરવામાં કવિ સફળ રહ્યા છે. ઓછા વપરાતા કાફિયાની સાથે કવિએ પૂરી સફળતાથી કામ લીધું છે તો સાવ સાદા કાફિયા લઈને પણ અનોખા કલ્પનોથી ચોટદાર શેર નિપજાવ્યા છે.
કલરવ સાંજે પાછા મળશે, વડલાને પણ વાચા મળશે.
ભીંતે ટાંગો માનો ફોટો, આજે પણ હોંકારા મળશે.
કવિ વિપુલ માંગરોલિયા ‘વેદાંત’નું એમના ગઝલસંગ્રહ ‘ક્ષિતિજ પર ઝાકળ’ સાથે ‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે.
28.6.21
***
ડો. પરુષોત્તમ મેવાડા, સાજ
30-06-2021
ખૂબ સરસ ગઝલ અને આસ્વાદ.
અરવિંદ દવે
28-06-2021
વાહ….વિપુલભાઈ…’વેદાંત’….
કાવ્ય-વિશ્વ ધન્યવાદ…..
બકુલેશ દેસાઇ
28-06-2021
wah. સરસ. અને દૃષ્ટિપૂર્ણ સંકલન…રજુઆત…અભિનંદન …
Sarla Sutaria
28-06-2021
વાહ! ટૂંકી બહરની ખૂબ સુંદર ગઝલ
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
28-06-2021
સરસ ટૂંકી બહેરમાં ગઝલ.
Pranav thaker
28-06-2021
વાહ ??
સિકંદર મુલતાની
28-06-2021
ટૂંકી બહરની સરસ ગઝલ..
‘બાળકનાં પ્રશ્નો સામે,
જીભે લોચા વળતાં લાગે!’ ??
Vipul
28-06-2021
Thanks a lot for appreciation
કિશોર બારોટ
28-06-2021
ટૂંકી બહેરમાં ગઝલ સિદ્ધ કરવી તે ઓસરીમાં ઘોડો ખેલાવવા જેવું અઘરું કામ છે. વિપુલભાઈએ આ ગઝલમાં તે સિદ્ધ કરી બતાવ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન.

Heartily congratulations 🎊 👏
સરસ રચના… દર્પણ તો ભઈ, સરસ મજાનું…