પૂજાલાલ દલવાડી ~ ઉન્મીલિત થા

ઉન્મીલિત થા, અંતર મારા ! દલ દલ નિર્મલ ખોલ

પરિમલ પ્રેમ તણો પ્રકટાવી અઢળક ઢળતો ઢોળ

તૃપ્તિએ કર સહુને તરબોળ ….

અજબ રંગ રેલાવ દિગંતર, સ્મિત શિવસુંદર સાર

મ્લાન મુખોને મહદ મુદની પા પિયૂષી ધાર

અમૃતાના ઉછાળ કલ કલ્લોલ…..

બંધ રહે ના, અંધ રહે ના, નજર બૃહત પર બાંધ

અનહદ સાદે, અનહદ નાદે સુરતા તારી સાંધ

ઉરે બિંબિત કર ગુંબજ ગોલ…

તંદ્રા ત્યાગ, ઉતાર ભાર સહુ, અળગા કર ઓથાર

જાગ, જ્યોત ખદ્યોત તણી જો ચિદગગને ચકચાર

ઝૂલ આનંદ તણે હિંડોલ…..

ઉન્મીલિત થા, અંતર મારા ! દલ દલ નિર્મળ ખોલ.

– પૂજાલાલ દલવાડી

ગાંધીયુગના એક નોંધપાત્ર કવિ પૂજાલાલ દલવાડી. પ્રથમ સંગ્રહ ‘પારિજાત’થી જ એમની રચનાઓમાં આધ્યાત્મિક પ્રકૃતિ, ઊર્ધ્વ  જીવનની અભીપ્સા, દિવ્યતાની ઝંખના અને પરમતત્વ માટે આરતભર્યો ભક્તિભાવ વ્યક્ત થાય છે. શ્રી અરવિંદ દર્શન પ્રત્યે શ્રદ્ધા સરવાણી વહે છે. સોનેટ, ગીતો અને દુહા-સોરઠામાં એમની રચનાઓ મળે છે.  1926થી પોંડિચેરીમાં સ્થાયી વસવાટ સ્વીકારી લેનાર કવિએ પછીથી શ્રી અરવિંદ ભક્તિમાં જ જીવન વીતાવ્યું.

જીવનકાળ 17-6-1901 થી 27-12-1985

17.6.21

***

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

17-06-2021

ખૂબ જ સુંદર પ્રાર્થનામય ગીત.

વિવેક ટેલર

17-06-2021

મજાની કવિતા…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top