🥀 🥀
આજે ફરી મારી જાત નીચે બેસી ગઈ,
કુરુક્ષેત્રના અર્જુન સમી.
સ્વજનની સાથે લડવા એ ઉભી થયેલી,
નીડર ક્ષત્રિય યોદ્ધાની જેમ,
હાથમાં શબ્દોની ઢાલ લઈ
ને આંખમાં તેજની તલવાર લઈ
રોજ હળવેથી સાદ કરનારો અવાજ
આજે હુંકાર બની પ્રગટ્યો હતો..
પ્રતિદિન આત્મસન્માનનાં ચીરહરણ
કોઈ ક્યાં સુધી સહી શકે..!!!
ને….બસ નાદ થયો ને રચાયો રણસંગ્રામ મારી અંદર
શું શબ્દો જ શબ્દોના ઘા રુઝવશે ?
શબ્દો પણ કેવા..કટુ સત્ય કે પ્રેમાળ મલમ…?
પણ આ શું ? શબ્દો નાં તીર અચાનક
હેતાળ ક્યાંથી બની ગયા..? આ તે કઈ બાણવિદ્યા ?
કે ન ઇચ્છવા છતાં
ક્રોધ પ્રીતમાં અને દ્વેષ વ્હાલમાં પરીણમે છે.. !
શું સામે સ્વજન જોઈને ?
રોજ કેટલીયે વાર ખેલાય છે આ જંગ
મારી ભીતર ને ભીતર
કેટલાય કૃષ્ણોએ સમજાવ્યા ગીતાજી મને
પણ આજે ફરી મારી જાત નીચે બેસી ગઈ
કુરુક્ષેત્રનાં અર્જુન સમી…..
~ બંસી દવે
નાજુક મનોભાવોના દ્વંદ્વમાંથી સતત પસાર થતી, કદી ઊઠતી, કદી હારતી ને ફરી ઊઠવાના નિર્ધાર સાથે જાતને તપાસતી આ નાયિકાનું મનોમંથન આપણા સહુનું કદાચ રોજનું મનોમંથન છે. કવયિત્રી બંસી દવેએ અર્જુનના માધ્યમથી એને સરસ રીતે રજૂ કર્યું છે. અર્જુનથી વધારે સારું ઉદાહરણ આના માટે બીજું કયું હોઇ શકે ? આટલો ધુરંધર લડવૈયો, યુદ્ધકળા જેના લોહીમાં વહે છે, શુરવીરતાનું જે અપ્રતિમ ઉદાહરણ છે, અરે કૃષ્ણ જેવા જેના સખા અને સારથિ છે છતાંયે એ સ્વજનોને સામે ઊભેલા જોઇને કાંપી ઊઠે છે. કાયરતા અહીં ક્યાંય નથી. પોતાના લોકો સાથેનો મોહ જ કારણભૂત છે. લડવાનું તો ખરું પણ સામે પક્ષે સગાંસંબંધી જ છે !! અર્જુનના હાથમાંથી ગાંડીવ છૂટી જાય છે અને એ એના મનુષ્યત્વનું લક્ષણ છે.
નાયિકા આ વ્યથા રોજેરોજ અનુભવે છે. માતા-પિતા, ભાઇ-બહેન, મિત્રો અને સગાંઓ આસપાસ છે. વ્હાલ છે અને વ્યથા પણ છે. હાશ છે અને હાય પણ છે. દોસ્તી છે અને દ્વેષ પણ છે. આ એકપક્ષી નથી હોતું. સામસામે બંન્ને પક્ષે આવી અનુભૂતિ લગભગ હોય છે. મહાભારતની લડાઇ મૂલ્યો માટે હતી. જીવનમાં પણ ક્યારેક મૂલ્યો માટે, ક્યારેક અસ્તિત્વના સંપૂર્ણ સ્વીકાર માટે, ક્યારેક પોતાના સત્યની સ્થાપના માટે લડવું પડે છે. ‘પોતાનું સત્ય’ શબ્દ સહેતુક વાપર્યો છે. મૂળભુત સત્ય એક જ હોય પણ સમય અનુસાર એ માટેની સમજ અને એને વર્તનમાં ઉતારવાના આયામ જુદાં જુદાં હોઇ શકે અને અહીં સંઘર્ષ જન્મે છે. આ લડાઇ બહાર પણ હોય અને પોતાની અંદર પણ હોય. આમ જુઓ તો બહારની લડાઇ પણ અંદર જ લડાતી હોય છે ને ! એક પક્ષે સત્ય અને બીજા પક્ષે અસત્ય હોય એવું જરૂરી નથી. બેય પક્ષે સત્ય હોય તો પણ સંઘર્ષ જન્મી શકે. એ સત્યના વ્યવહારુ પક્ષ જુદાં હોય. સમય પ્રમાણે એના આચરણ જુદાં હોય. એ સ્વીકારવું પડે.
‘ન ઇચ્છવા છતાં / ક્રોધ પ્રીતમાં અને દ્વેષ વ્હાલમાં પરીણમે છે.. ‘ સરસ વાત છે આ. સંઘર્ષ અહીં છે પરંતુ પ્રેમની, ઊંડે ઊંડે સતત વહેતા રહેતા સ્નેહની અહીં જીત છે. રોજેરોજ ઊઠતા આ સવાલનો એક સરસ જવાબ છે. સમાધાન હંમેશા એક પક્ષે જ રહે એ ચોક્કસ ખોટું પણ વર્તનમાં વ્યક્ત થતી સમજદારી જીવનને સહજ અને સરળ બનાવવાનો ઉત્તમ ઉપાય છે. પ્રેમ અને માત્ર પ્રેમ સર્વ સમસ્યાનો ઉત્તર હોઇ શકે. જીવનમાં આસપાસમાં ઉત્પન્ન થતી પરિસ્થિતિમાં તો ખરો જ. આમાંથી દરેકે ઓછેવત્તે અંશે સતત પસાર થવાનું હોય છે. હવે ખરેખર શસ્ત્રો સજી યુદ્ધ મેદાનમાં ક્યાં જવાનું હોય છે ? પણ અન્યાયનો પ્રતિકાર અને પરિસ્થિતિનો સહજ સ્વીકાર એ માટે ભગવાન શ્રીકૃષ્ણે આપણને ગીતા કહી. રોજિંદા પ્રશ્નોમાં એમાંથી કેટલી મોટી સમજણ તારવી શકાય છે !! મોહનાશ એનું અંતિમ સત્ય ભલે હોય, સંઘર્ષ માટે સજ્જતા કેળવવાની, આયુધ સજવાની – આ આયુધમાં વિદ્રોહ અને પ્રેમ બંનેનો સમાવેશ થાય – એનો સાચે સમયે સાચો ઉપયોગ કરવાની કે જરૂર પડ્યે સમાધાનની પણ કેટલી અદભુત શીખ આમાંથી મળે છે !!
‘કેટલાય કૃષ્ણોએ સમજાવ્યા ગીતાજી મને / પણ આજે ફરી મારી જાત નીચે બેસી ગઈ / કુરુક્ષેત્રનાં અર્જુન સમી’ આ શબ્દો માનવીની સંવેદનશીલતાના સૂચક છે. બેસી જવું એ હંમેશા હારવું નથી હોતું. અર્જુનનો પ્રશ્ન જુદો હતો. આપણો પ્રશ્ન જુદો હોઇ શકે અને ત્યારે ક્યારેક હથિયાર ત્યાગવાં, વાત પડતી મૂકવી એ સમજદારી પણ હોઇ શકે. કવયિત્રીને આટલી મોટી, ગંભીર વાત સહજ રૂપે અને યોગ્ય પ્રતીકો દ્વારા રજૂ કરવા બદલ અભિનંદન.
દિવ્ય ભાસ્કર @ કાવ્યસેતુ 133 @ 22 એપ્રિલ 2014
16.6.21
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
17-06-2021
ખૂબ સરસ પ્રતિકાત્મક કવિતા, દરેકના જીવનની કસ્મકસ નો પડઘો પડે છે.
વિવેક ટેલર
17-06-2021
મસ્ત મજાની રચના….
છબીલભાઈ ત્રિવેદી
17-06-2021
આજનુ બંસી મધુક્રિષ્ણજી નુ કાવ્ય ખુબજ સરસ, ખુબજ સરસ વાત કવિયત્રી દ્નારા કહેવામા આવી છે, આપે કાવ્ય વિશે આપેલ મંતવ્ય પણ અદભુત આવા વિચારો અેક રચનાકાર નેજ આવે કાવ્ય અનેક અેંગલ થી લખાતુ હોય છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન
Praful pandyaપ્ર
16-06-2021
બંસી મધુકૃષ્ણ મારા માટે એક નવું નામ છે.પરંતુ આ કાવ્ય વાંચતા હવે તેઓ અપરિચિત રહ્યાં નથી.એક સ્ત્રીનાં મનોભાવ અને મનોમંથનને તેઓએ શ્રીકૃષ્ણ અને અર્જુનનો સન્દર્ભ લ ઈને આબાદ પ્રગટ કર્યું છે.પ્રેમની લાગણીનાં અનેક સ્વરૂપો છે જેમાં ક્રોધ પણ આવી જાય છે.અહી ક્રોધ હારી જાય છે અને પ્રેમ જીતી જાય છે.સ્નેહનો અતૂટ તાંતણો સંબંધને ઉગારીને વધુ મજબૂત બનાવે છે.સરસ પોઝીટીવ કાવ્ય : બંસીબેનને અભિનંદન ! ” કાવ્ય વિશ્વ”માં જ આવા વિશિષ્ટ કાવ્યો જોવાં મળે એ લતાબેનને આભારી છે. પ્રફુલ્લ પંડ્યા
Mahesh Dave
16-06-2021
ક્ષમા કરજો મારી commentsમાં
બંસી મધુકૃષ્ણ વાંચવા વિનંતી
Mahesh Dave
16-06-2021
બંસી દવેને અભિનંદન,
’ઘર્ષણ’ નો ઘોંઘાટને દબાવવા માટે વધુ ઘોંઘાટ કરવાનું ટાળીને મૌનની શાંત શક્તિ ને વધાવતું કાવ્ય .
કશું પણ સાબિત કરવાની જીદમાં કેટલું બધું સુંદર, ભલે ઉત્તમ ન પણ હોય તે નાશ પામે છે. પ્રકાશ જેટલા સ્પષ્ટ શ્બદોમાં “ઘર” ની હૂંફ જાળવી રાખતી રચના.
