ધીરુબહેન પટેલ ~ મારો શાકવાળો * Dhirubahen Patel

મારો શાકવાળો ઘણો સારો છે

દરરોજ સવારે

મને સ્મિત સાથે નમસ્કાર કરે છે

પછી ભાવની કડાકૂટ આદરે છે

ક્યારેક એના વટાણા સડેલા હોય

ટામેટાં વધારે પડતાં પાકી ગયાં હોય

એના ત્રાજવાનું પણ બહુ ઠેકાણૂ હોય

પણ એના ઘરની વાતો કરે

અને મુલાયમ રીતે જાણી લે

કે મારું તો બધું ઠીકઠાક છે ને ?

મને ગમે છે

એની મીઠીમીઠી વાતો માટે નહીં

તો એના ચહેરા માટે

મને તો એટલા માટે ગમે છે

કે કસીને હું એનો ભાવ ઓછો કરાવું છું

અને મારું પ્રત્યેક પ્રભાત

વિજયના ભાનથી સમૃદ્ધ બને છે…………. 

~ ધીરુબહેન પટેલ

ગદ્ય, ખાસ તો વાર્તા અને નવલકથા ક્ષેત્રે મોખરે બિરાજનાર શ્રી ધીરૂબહેન પટેલ ગુજરાતી સાહિત્યનું એક સન્માનનીય નામ છે. એમની કવિતા એક ગૃહિણીની રોજિંદી જિંદગીની વાતોમાંથી માનવજીવનનું એક શાશ્વત સત્ય ઉઘાડે છે.

ધીરુબહેનની કવિતા બે પ્રકારની સંવેદનાથી ભરીભરી છે. એક તો શાકવાળા જેવા મહેનતકશ આદમી સાથે ગૃહિણીનું સમસંવેદન ! ગૃહિણીને એની સાથે રોજેરોજની નિસ્બત એટલે અહીં કોઇ પ્રકારની સામાજીક ઊંચનીચ આડે આવતી નથી. એકબીજાની વાતોમાં હળવાશથી એકબીજાના કુશળમંગળ વ્યક્ત થઇ જાય છે ! રોજબરોજની જિંદગીમાંથી વહ્યા કરતી નરી માનવીયતાની સુગંધ ! અલબત્ત અહીં રોજિંદા ગ્રાહક સાથે તરત તંતુ જોડી લેવાની શાકવાળાની વ્યવહાર કુશળતા પણ ખરી . તો બીજી બાજુ દરેક માનવીમાં અભરે ભરેલી રહેતી પોતાનું ધાર્યું કરવાની ઝંખના…. રોજીંદી ઘટનાની સરળ રજૂઆતમાં છેલ્લી બે પંક્તિઓ એને કાવ્યત્વ બક્ષે છે. સામાન્ય ઘટનાના નિરુપણમાંથી અંતરને સ્પર્શી જાય એવો વિશેષ સુર નિપજાવવો કાવ્યકળા છે.

29.5.21

@@@@@

Sarla Sutaria

08-07-2021

ધીરુબેનની વાર્તાઓ જેવી જ સંવેદનશીલ કવિતા.
એક ગૃહિણી કદાચ ઘરમાં ધાર્યું નહીં કરી શકતી હોય પણ શાકવાળા સામે પોતાનું ધાર્યું થયાનો આનંદ લઈ મનોમન રાજીપો મેળવી લે ને દિવસ આખો પ્રસન્ન રહે. કેવું સુક્ષ્મ સંવેદન આલેખાયું છે અહીં…

Dr. Ishita Dave

29-05-2021

માનવીય સંવેદનોના આદાન- પ્રદાનનું સુંદર અછાંદસ.

રેખાબેન ભટ્ટ

29-05-2021

મા.. ધીરુબેનને વંદન. હું નાની હતી ત્યારથી એમનાં પુસ્તકો વાંચું છું. મા. ધીરુબેનને જન્મદિવસ ની શુભેચ્છાઓ. ?

વિવેક ટેલર

29-05-2021

મજાનું કાવ્ય…

ટિપ્પણી સરસ

ડો. પરુષોત્તમ મેવાડા, સાજ

29-05-2021

ભાવતાલની કસ્મકસ તો કોઈ પણ ગૃહિણી ની ટેવ હશે, પણ આમ સહજ રીતે શાકવાળાને એક માનવી તરીકે સ્વિકારી કામ કઢાવી લેવું એમાં કવિયત્રી ની સંવેદનશીલ હ્રદય ની શાખ પૂરે છે, જે કોઇ પણ સાહિત્યકારમાં હોવું જરૂરી છે.

Keshav Suthar

29-05-2021

વાહ…! ખૂબ સુંદર અછાંદસ… એક ગૃહિણીની રોજિંદી ઘટનાને ખૂબ સારો ઘાટ આપ્યો છે!
અને મારું પ્રત્યેક પ્રભાત
વિજયના ભાનથી સમૃદ્ધ બને છે….
– કેશવ સુથાર

Meena Jagdish

25-09-2022

જયશ્રીબા પી ગોહિલ ભાવનગર

16-09-2022

વ્યક્તિત્વની વિશાળતા, આભા છલકી રહી છે તું જો,
કઈક અતિ ઉદારતા , આભ મલકી રહી છે તું જો.;

છબીલભાઈ ત્રિવેદી

10-09-2022

આપણા જીવન સાથે જોડાયેલા તમામ મહેનતકશ લોકો ઉપર આપણ ને અેક લાગણી બંધાય જાય છે અને ભાવતાલ કરવા તે ગ્રુહિણી નો જન્મસિદ્ધ અધિકાર છે પછી ભલે તેને ઘણી બધી બક્ષિસ આપે સરસ રચના આભાર લતાબેન

સાજ મેવાડા

10-09-2022

“સામાન્ય ઘટનાના નિરુપણમાંથી અંતરને સ્પર્શી જાય એવો વિશેષ સુર નિપજાવવો એ જ તો કાવ્યકલા છે ! ” સહમત છું.

Kirtichandra Shah

10-09-2022

કવિતા ઘણી સુંદર અને નાજુક છે અને લતાબેન નું વિવરણ પણ સુંદર છે ધન્યવાદ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top