હમણાં હમણાં
એમ થાય કે
આભ મહીં આ હરતી ફરતી
વાદળીઓને વાળીઝૂડી
લાવ જરા આળોટું.
હમણાં હમણાં
એમ થાય કે
સાત સાત સાગરની વચ્ચે
નાનું અમથું નાવ લઈને
તરંગ પર લ્હેરાતો જાતો
લાવ નિરાંતે પોઢું.
હમણાં હમણાં
એમ થાય કે
ઘરજંજાળી આટાપાટા
અળગા મેલી
કોઈ અગોચર વનમાં જઈને
લાવ જરા
એકાંત ગુફાના ઓઢું.
હમણાં હમણાં…
– હરિકૃષ્ણ પાઠક
‘હમણાં હમણાં’ શબ્દોનું પુનરાવર્તન જાણે હરિયાળા ઘાસ પર હળુ હળુ વાયુ વાતો હોય ને જીવને રાહત થતી હોય એવી અનુભૂતિ આપે છે. આમ તો કવિએ પણ સ્પષ્ટ ઇંગિત આપ્યો છે અને એટલી સહજતાથી કાવ્ય રચાયું છે કે ભાવક પણ આ વિશ્વમાં તણાઇ જાય.
27.3.21

હમણાં હમણાં…
… મનને હળવું કરનાર કવિતા…
જાણે કે મોરપીંછ…
👍