હરીશ મીનાશ્રુ ~ બહુ ઝંઝેડયા ઝાડ

બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કૈં
બીજ ગયું ખોવાઈ કશેથી જડ્યું નહીં કૈં

સ્વાતિનાં અચરજ તો અનરાધાર વરસતાં
કરમફૂટલી બંધ છિપોલી: અડ્યું નહીં કૈં

પલળીને બળવું ને બળબળતાં ભીંજાવું
સતત ધૂમાતું રહ્યું હૃદય, ભડભડ્યું નહીં કૈં

ગ કોનો? –પૂછીને માંડી ગઝલ તમે તો
ઘૂંટી ઘૂંટી થાક્યા પણ આવડ્યું નહીં કૈં

સૌ કહે છે લોચન છે એનાં અમરતકુપ્પી
ખરે વખત તો એકે ટીપું દડ્યું નહીં કૈં

ભીંત ભૂલ્યા’તા તમે, અમે નીસર્યા સોંસરવા
ભીંતપણું અમને તો સ્હેજે નડ્યું નહીં કૈં

મન મારું મક્તામાં મઘમઘ મૌન ધરે છે
નામ હતું જે હૈયે, હોઠે ચડ્યું નહીં કૈં

હરીશ મીનાશ્રુ

કવિ હરીશ મીનાશ્રુના કાવ્યસંગ્રહ ‘બનારસ ડાયરી’ને હમણાં જ સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો. અભિનંદન કવિશ્રીને ! પ્રવાહથી ઉફરા કાવ્યો – એ કવિની વિશેષતા ગણી શકાય. આ ગઝલના શબ્દો જુઓ….  ચોથો શેર જાણે નવી ઉભરાતી આખી ગઝલ પેઢીને સંબોધીને લખાયો હોય એવું નથી લાગતું ?

કવિ સંજુ વાળાની ગીતપંક્તિ પરથી આ તરહી ગઝલ રચાઇ છે.   

જાણ્યું એવું જડ્યું નહીં કૈં,
બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કૈં. -સંજુ વાળા

22.3.21

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top