પાત્રમાંનું પાણી ચળકતું હોય છે ; સાગરના જળ શ્યામવરણાં હોય છે.
નાના સત્યની વાણી સ્પષ્ટ હોય છે ; મહાન સત્યનું મૌન મહાન હોય છે.
**
જે કાંઇ અલ્પ છે તે હું મારા પ્રિયજનો કાજે મૂકતો જાઉં છું – જે મોટું છે તે તો સૌ કોઈ માટે છે.
**
ધરતીની અંદર મૂળિયાં ડાળીઓને ફળવંતી બનાવવા માટે કોઈ બદલો માંગતા નથી.
**
‘તને જોઈને મને મારા ખાલીપાની શરમ આવે છે’ વાણીએ કુરૂચિને કહ્યું. ‘તને જોઉં છું ત્યારે’ કુરુચીએ ઉત્તર વાળ્યો ; ‘મને મારા દારિદ્રયનો ખ્યાલ આવે છે.’
**
પેલા બધા તારાઓમાંથી એકાદ તો અંધકારમય અજ્ઞાનમાં થઈને મારા જીવનને દોરી જનારો હશે જ.
**
સ્પર્શીને તો તમે તેને મારી નાખશો, સ્પર્શ્યા વિના કદાચ પામશો.
**
પોતાના નવલખ તારલા જેણે ખોયેલા છે તેવા પ્રભાતની સન્મુખ, પોતે ગુમાવેલાં ઝાકળ બિંદુ કાજે ફૂલ કલ્પાંત કરે છે.
**
જીવનનાં નર્યા ધુમ્મસો અને ધુમાડાઓને આપણી કામના મેઘધનુષના રંગો વડે સજાવે છે.
**
પોતાનાં જ ખીલવેલા પુષ્પોને માનવી પાસેથી ઉપહાર રૂપે પાછાં પ્રાપ્ત કરવાની ઈશ્વર રાહ જોતો રહે છે.
સાભાર : ‘રવિ–લહર’ – વસંત પરીખ
14.3.21
