સુચિતા કપૂર ~ રાત * Suchita kapoor

રાત ઘણી લાંબી હતી

અંધકાર ઘણો ઘેરો

અંધારે અટવાતાંયે મેં બારી ખોલી

ઉજાસની આશામાં

અંદરનો અને બહારનો અંધકાર

એકમેકમાં ઓગળી રહ્યા

ખુલ્લી બારીમાંથી ધીમે ધીમે રંગહીન હવા આવી

મારી આંધળી લાગતી આંખોને મૃદુતાથી થપથપાવી

પછી આવ્યો એક નાનકડો આગિયો

કેવી તણખા જેટલી જ ઝબુકતી રોશની !!

પણ, મારી આંખોને દૃષ્ટિનો અહેસાસ કરાવી ગઇ

થોડી વાર પછી પંખીના કલરવ સાથે આવ્યું

એક કોમળ કિરણ

હળવા ઉજાસે અંધકારને બહાર ધકેલ્યો

ને પાછળ આવ્યો ઝળહળતો સૂરજ

મારી આંખો ઝૂકી ગઇ

દૃષ્ટિ સ્વચ્છ થઇ ગઇ

બારી ઊઘડતાં સીધો જ સૂરજ આવ્યો હોત તો ?

તો

હું

સાચે જ અંધ થઇ જાત !! ………

~સુચિતા કપૂર

લાંબી નિરાશા પછી ધીમે ધીમે જાગતા આશાવાદ અને એના પ્રત્યેની સમજણ સરસ પ્રતીકોથી વ્યક્ત થઇ છે. ‘આંખો ઝૂકી ગઇ અને દૃષ્ટિ સ્વચ્છ થઇ ગઇ !!’ નિરાશામાંથી આશામાં જવાની આ પ્રક્રિયા ધીમે અને નાજુકાઇથી થાય એ કેટલું જરૂરી છે !

સાભાર – 1. ‘સિડલિંગ’  2. ‘કશિશ’  કાવ્યસંગ્રહો 

11.3.21

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top