એક ઝીણી ક્ષણ મને વાગી હતી !
મેં મુલાયમ વેદના માંગી હતી !
હાથતાળી આપશે નો’તી ખબર
મેં સમયની ચાલને તાગી હતી !
આંગળી મેં શબ્દની પકડી અને
રેશમી સંવેદના જાગી હતી !
મેં વિષાદી સાંજને ચાહી જરા
તો ઉદાસી રીસમાં ભાગી હતી !
લાલસા તેં હૂંફની રાખી અને
મેં અપેક્ષા સ્નેહની ત્યાગી હતી !
એટલે સપનાં ફરી આવ્યા નહીં
પાછલી આ રાત વૈરાગી હતી !
લાગણી થૈ ગઈ હરણ, ને એ પછી
પ્યાસ મૃગજળની મને લાગી હતી !
– લક્ષ્મી ડોબરિયા
કવયિત્રી લક્ષ્મી ડોબરિયાની આ ગઝલમાં શબ્દોનું નકશીકામ નાજુક છે. ક્ષણને પણ ઝીણી કહી છે. ‘ઝીણી ક્ષણ’ શબ્દ વાંચતા જાણે કાનમાં એ રણઝણે છે. પણ આ ક્ષણ સુખની નથી, એનો સ્પર્શ વાગે છે અને કવયિત્રી તરત કબુલાત કરી લે છે કે ‘મેં મુલાયમ વેદના માંગી હતી’. પ્રભાવ ક્ષણનો નથી, એ તો નિર્વિકાર છે. પ્રભાવ ઇચ્છવાનો છે. જે માગ્યું એ મળ્યું. વેદના માગી અને કોઇ ક્ષણનું સ્મરણ આવીને ખુંચી ગયું.. અહીં મુલાયમ વેદનાની માગણી પણ એક સ્ત્રીના માનસને ઊઘાડે છે.
મૂળ વાત જીવાતા જીવનની છે. વેદનાથી શરૂ થતી વાત, વેદનામાં પરોવાતી જાય છે અને અંતે મૃગજળની પ્યાસથી જાગતી વેદનામાં ખતમ થાય છે. ગઝલનો કેન્દ્રવર્તી ભાવ એ વેદનાની અનુભુતિ બની રહ્યો છે.
સાભાર કાવ્યસંગ્રહો – 1. ‘શ્રી ગઝલ’ (સહિયારો સંગ્રહ) 2. ‘તત્વ’ (સહિયારો સંગ્રહ) 3. ‘તાસીર જુદી છે’ 4. ‘છાપ અલગ મેં છોડી’
10.3.21
