આમ ને આમ દિવસ રાત વિતાવ્યા કરીએ
જિંદગી માથે પડી છે તો નિભાવ્યા કરીએ
લાકડા જેવો અહમ આવે સપાટીએ ફરી,
ધ્યાન રાખીને ફરી એને ડૂબાવ્યા કરીએ.
નખ વધી જાય તો કંઇ આંગળી કાપે કોઈ
જેમ ચાલે છે બધું એમ ચલાવ્યા કરીએ
મૃત્યુ તો એવું સ્વજન ; આવશે બસ એક જ વાર
આપણે જિંદગી ફૂલોથી સજાવ્યા કરીએ.
હોય જીવનમાં ઉમળકા’ય, અજંપા ય ‘જિગર’!
કાંકરા નાખીને પાણીને હલાવ્યા કરીએ.
– જિગર જોષી ‘પ્રેમ’
પહેલો શેર ધીરજ રાખવા કહે તો બીજો શેર તરત ગઝલને ઊંચકી લે ! વાત આમ તો અહમને નાથવાની જ છે જે ધર્મશાસ્ત્રો, સંતો કહી ગયા છે પણ કહેવાની રીત જુઓ ! અહીં કવિનું કવિત્વ ઝગારા મારે છે. આવું જ પછીના શેરનું પણ. નખ વધે તો આંગળી ન કપાય – કહીને આખી ગઝલમાં સ્વીકારભાવ સહજ રેલાયે જાય છે. વાહ કવિ !
કવિનો એક બીજો શેર જુઓ
રેતનો દેશ, તરસ ખૂબ અને છેલ્લા શ્વાસ
આવા ટાણે તું મને પાણીનો ફોટો તો ન દે. – જિગર જોશી
3.3.21
***
વિવેક મનહર ટેલર
13-04-2021
મજાનું કાવ્ય
સુરેશ ‘ચંદ્ર’ રાવલ
13-04-2021
જિગર જોષીની ગઝલ ખૂબ ગમી અહમ ઓગાળો..
પડ્યું પાનું નિભાવવાની આને પછી જળ સપાટી પર અહમનુ તરવું ..સુંદર ગઝલ …
Harshad Dave
13-04-2021
વાહ…જિગર…
લાકડા જેવો અહમ્…ગમ્યું.
Varij Luhar
13-04-2021
અભિપ્રાય આપવા માટે સરળતા થઈ તે સારું થયું.. નિયમિત યથાવકાશે બધા વિભાગો માણી લઉં છું
ગૌરાંગ ઠાકર
13-04-2021
વાહ જીગર જોષીની ગઝલ સરસ સાથે આપનો મજાનો આસ્વાદ… અભિનંદન
Purushottam Mevada Saaj
13-04-2021
કવિ શ્રી જિગરની કવિતા ખૂબ જ સરસ અને પ્રોત્સાહિત કરનારી છે.
Sandhya Bhatt
13-04-2021
જિગરભાઈની ગઝલ અને તમારો ટૂંકો પણ મર્મગ્રાહી આસ્વાદ..મઝા પડી ગઈ..
