ઈશિતા દવે ~ સાચો કહું * Ishita Dave

બંધ સાંકળ સ્હેજ ખખડાવ તો સાચો કહું
તું હૃદયના બારણાં ખોલાવ તો સાચો કહું.

જઇ હિમાળે હાડ ગાળી નાખવા સ્હેલા જ છે
જિંદગીના જંગમાં જો આવ તો સાચો કહું

તું પરીક્ષા કાયમી લીધા કરે, દે તો ખરો
દીપ પાણીમાં અહીં પ્રગટાવ તો સાચો કહું

ચોપડીના ચાર પાનાંઓ ભણાવે થાય નહિ
અર્થ ટહુકાનો જરા સમજાવ તો સાચો કહું

કોઇની પણ હા હજુરી શું કર્યા કરવી ભલા
ના ગમે તો રોકડું પરખાવ તો સાચો કહું….

~ ઈશિતા દવે

જીવનના દરવાજાને ટકોરા મારતી કવિ ઇશિતા દવેની આ ગઝલનો પ્રત્યેક શેર પડકાર ફેંકે છે. ‘તો સાચો કહું’ આમ તો વાતચીતનો પ્રયોગ પણ એને રદીફ તરીકે લેવાથી આ દમદાર પ્રયોગે આખી ગઝલમાં પ્રાણ પૂર્યો છે. આખી જિંદગી લોકોની હા-હજૂરી કર્યા કરી. પોતાના સ્વાર્થની તકો શોધ્યા કરી. ન ગમતી કે ખોટી વાત પણ ખમી લીધી કેમ કે ચૂપ રહેવામાં ફાયદો હતો. હિંમત છે ‘ના’ કહેવાની ? રોકડું પરખાવવાની ? એને માટે ખુમારી જોઇએ. ખુદ્દારી જોઇએ. એ ક્યાંથી આવે ? જીવનમાં સાચનો સાથ પકડી જોયો હોય તો આવે… અઘરું છે, ખૂબ અઘરું છે… અને એટલે જ આવી વાતો, આવી ફિલોસોફી ચર્ચવી પડે છે.

9.2.21

સુરેશ જાની

13-04-2021

ઈશિતા દવેનો.પડકાર ગમ્યો.
પણ
કવિતામાં સારો લાગે.
ફ્રેન્કલી…
કોણ કડવી વાત સાંભળવા/ વાંચવા તૈયાર હોય છે.?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top