સનમ
બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વૅબસાઇટ ઉપર મળે છે સનમ.
ફ્લોપી ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ ?
મૅમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ !
ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ
ડૉટ થઈને તું ઝળહળે છે સનમ.
આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ.
શી ખબર કઇ રીતે ડીકોડ કરું
સિલિકોન ચિપ કશું કહે છે સનમ.
ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ
દિલની ધડકન છે સૉફ્ટવેર હવે
એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ.
લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે
ઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ.
આંખ મારી આ થઈ ગઈ માઉસ
કિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ ?
– અદમ ટંકારવી
ઇંગ્લેન્ડમાં સ્થિર થયેલા અને ગુજલીશ કાવ્યોથી જાણીતા કવિ અદમ ટંકારવીની આ મજ્જાની ગઝલ. પોતાના હાથે પોતાના અક્ષરોમાં પ્રેમપત્ર લખાતો એ સમયના કવિએ પોતાના સમયને મેમરીમાં સાચવ્યો જ છે. લોકો ભલે એન્ટર એકઝીટ કરતી લાગણીને પ્રોગ્રામ્ડ કરવાની કોશિશ કર્યા કરતા….
કવિ અદમ ટંકારવીના અવાજમાં એમની આવી જ મજેદાર ગઝલ સાંભળો નીચેના વિડિયોમાં..
30.12.20
કવિ અદમ ટંકારવીની ગઝલ એમના જ અવાજમાં
Purushottam Mevada, Saaj
13-04-2021
ઉ.જો.ના હસ્તાક્ષરની કવિતા માણી. નમસ્કાર લતાજી, અભિનંદન, ઘણું સરસ સાહિત્ય પીરસો છો. નવા વર્ષની શુભેચ્છાઓ.
Purushottam Mevada, Saaj
13-04-2021
શાયર અદમ ની ગઝલ આજની સામ્પ્રત રચના.
