આશા પુરોહિત ~ તું ગઈ * Aasha Purohit

તું ગઈ ને એટલે વરસાદ પણ ગયો,
જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.

ચોતરફ એકાંતનો છે એવો દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.

કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.

એકલા આ મૌનમાં જીવીને શું કરું,
તું નથી, ને એટલે સંવાદ પણ ગયો.

હું તને શોધ્યા કરું ને તું મળે નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.

આશા પુરોહિત

કોઈના જવાથી એની સાથે સાથે કેટલું જતું રહે છે એની જનારને કદાચ કલ્પનાયે ન આવે, અને જો આવી શકે તો એ જાય નહીં ! આખા અસ્તિત્વને આવરી લેતો એક અવસાદનો ભાવ સૂત્ર બનીને આખી ગઝલમાં પરોવાયો છે.  સ્ત્રીઓ પોતાની સંવેદનાની અભિવ્યક્તિ કાવ્યો દ્વારા કરે છે અને એ નાયિકા રચે છે. સ્ત્રીની કવિતામાં નાયકના મનોભાવ જવલ્લે જ જોવા મળે છે. આ એમાનું એક કાવ્ય છે અને એટલે એ રીતે અલગ છે.

29.12.20

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top