જવાહર બક્ષી ~ કોણ * Jawahar Baxi

🥀 🥀

વિસ્મયભર્યું વ્હેલી પરોઢે ઊઘડ્યું તે કોણ, મીઠી ઊંઘ કે પાંપણ કે હું ?
જાગ્યા પછી પણ સ્વપ્ન તો સ્વપ્ન જ રહ્યું, એવું શું જાગ્યું, સત્ય કે સમજણ કે હું ?

ઊંડે સુધી થઈ શોધ રાત્રિ ને દિવસ, તો હાથ લાગ્યાં તડકો રેતી ને તરસ,
નિર્ણય કરી દે તું જ બસ કે મૃગજળોના, મૂળમાં છે કોણ ? સૂરજ રણ કે હું ?

ક્ષણક્ષણ સમયજળમાં સતત વહી જાઉં છું, પણ જ્યાં હતો હું ત્યાંનો ત્યાં રહી જાઉં છું.
આ કોણ વ્હેતું જાય છે ? કાયા કે પડછાયા કે માયા કે નહીં કૈ પણ કે હું ?

પ્રત્યેક ઘર કરચોથી વેરણ-છેર છે, ને તે છતાં અકબંધ આખું શહેર છે
આવું અજબ તે એક પળમાં કોણ ફૂટ્યું, બિંબ કે પ્રતિબિંબ કે દર્પણ કે હું ?

અક્ષર મળ્યો તણખો, પવન લયનો ભળ્યો, જીવન શું ? હું મૃત્યુ પછી પણ રવરવ્યો
તો આમ ઠંડું પડ્યું તે કોણ ? ધૂણી, રાખ કે અંગાર કે ઈંધણ કે હું ?

જવાહર બક્ષી

વિસ્મયભર્યા ગૂઢ સવાલોથી ભર્યું ભર્યું આત્મચિંતનનું આ કાવ્ય. અહીં પ્રશ્નોમાં ઉત્તર અને ઉત્તરમાં વળી પ્રશ્નો છે. સવાલો હોવા છતાં શબ્દોનું માધુર્ય એવું છે કે કાવ્યબાની ભાવકને એક રમણીય પ્રવાહમાં તાણી જાય છે. કવિ પૂછે છે, ‘વિસ્મયભર્યું વ્હેલી પરોઢે ઊઘડ્યું ; તે કોણ, મીઠી ઊંઘ કે પાંપણ કે હું ?’ જાગવાની સાથે મનમાં આવો સવાલ જાગે, એ અંદર-બહાર જાગ્યાની નિશાની પાકકી ! ઊંઘ ઊડે છે, પાંપણ ખૂલે છે, આંખ સામે જગત દૃશ્યમાન થાય છે અને એ સાથે જ અંદર બીજું કશુંક એવું જાગે છે, જે દેખાતું નથી, અનુભવાય છે. જે સ્પર્શાતું નથી, સંવેદાય છે. એટલે જ, જે બીજો પ્રશ્ન છે એ આ પ્રથમ પ્રશ્નનો જવાબ પણ છે. ‘જાગ્યા પછી પણ સ્વપ્ન તો સ્વપ્ન જ રહ્યું, એવું શું જાગ્યું, સત્ય કે સમજણ કે હું?’ ભાવક જવાબ આપી શકે કે સત્ય, સમજણ અને એને અનુભવનાર ત્રણેય જાગી ગયા છે. અલબત્ત સત્ય ને સમજણને જાગવાપણું નથી હોતું પણ હા, માણસની અંદર એ જાગે છે ત્યારે જ જાગે છે. ભલે એનું અસ્તિત્વ સદાય છે, એ ભુવનમાં વસે છે સદાય પણ માનવીની અંદર તો એની પાત્રતા પ્રમાણે જ આવે !

નર્યું આત્મચિંતન છતાં સ્પર્શી જાય એવી જાજરમાન રજૂઆત અને કાવ્યસૌંદર્યની સુવાંગ સાચવણી કાવ્યને ઊંચાઈ બક્ષે છે.    

16.12.20

***

Purushottam Mevads.Saaj

13-04-2021

આદરણીય કવિ જવાહર બક્ષીનું કાવ્ય ખૂબજ અદ્ભૂત છે. કેટલા બધા ભાવ ચિત્રોનો સમાવેશ કર્યો છે. ખૂબ ગમ્યું.

Sudha Maheta

13-04-2021

shri Jawahar Bakshi nu kaavya adbhut chhe. Enu analysis paN bahu gahan chhe. Gamyu.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top