એક દિવસ
સોસાયટીના સૌએ ભેગા થઈ
વીજળીના તારને નડતો લીમડો
કાપી નાખ્યો.
તે રાતે
વગડાનાં બધાં ઝાડ
મારી પથારીમાં આવ્યાં હતાં!
મારું એકે મૂળ રાતું થયેલું ન જોતાં
એ બિચારાં પાછાં વળી ગયાં…
હું ઘણી વાર
ઊંઘમાંથી ઝબકી જાઉં છું,
બારણામાં ઝાડનાં પગલાં સંભળાય છે.
મારામાં, મૂળ નાખવા માંડ્યું છે આ ઝાડ !
હું ફરી પાછો
ફણગી જઈશ એવી બીક લાગે છે !
આજે
બીજું ઝાડ કપાયું છે આ વાસમાં
રાત્રે
કોઈ બારણું ખખડાવે
તો કહેજો :
એ અહીં સૂતો જ નથી !
~ દલપત પઢિયાર
સિમેન્ટના જંગલની વચ્ચે કેદ મનુષ્યની થીજતી જતી સંવેદનશીલતા સામે લોહીલુહાણ કરી નાંખે એવો ધારદાર કટાક્ષ. હૃદયની આરપાર ઉતરી જાય એવી વાત અને તોય કેટલી હળવી શૈલીમાં ! માનવીની ભૌતિક સુખસગવડની આડે પ્રકૃતિનું કોઈપણ તત્ત્વ આવે, એને રહેંસી નાંખતા લોકો ઘડીભર પણ વિચારતા નથી. વૃક્ષ કાવ્યનાયક પાસે સમ-વેદનની આશા રાખે છે. કપાઈ ગયેલું ઝાડ રાતે નાયકના સ્વપ્નમાં આવે છે પણ નાયકે કપાયેલા ઝાડને બચાવવા કોઈ પ્રયત્ન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કર્યો જ નથી. ભલે ઝાડ છેદાઈ ગયું પણ નાયકના મૂળમાં કશું કપાયું નથી એટલે એના મૂળિયા લાલ થયા નથી. કવિ એ કુદરતની આખરી આશા છે. આખરી આશા પણ ઠગારી નીવડી છે એટલે કુદરત મૂંગા મોઢે પાછી વળી જાય છે. ક્યાંક પોતાનામાં સંવેદનશીલતાના ફણગા ફૂટી આવે એની નાયકને બીક પણ છે એટલે બીજું ઝાડ કપાય છે ત્યારે એ સ્વપ્નમાં પણ એનો સામનો કરવા પણ તૈયાર નથી….હૃદયહીન સમાજને જગાડવાની લાચારી, એક ઝીણું અજવાળું પ્રગટાવે છે.
30.11.20
*****
Purushottam Mevada, SAAJ
13-04-2021
આજે કવિ અને રવિ ભાણના ગાદી પતિ, સફળ ગવર્નમેન્ટના ઉચ્ચ પદાધિકારી એવા દલપત પઢીયાર ની કવિતાઓ વાંચી, વીડીઓ માણ્યો. ગ્રામિણ સંસ્કૃતિના આ ધરોધર નું જીવન ખરેખર ખૂબ પ્રેરણાદાયી છે.
સંધ્યા ભટ્ટ
13-04-2021
દલપત પઢિયારને ગાતા સાંભળવાની અલગ મઝા છે…આભાર..ધન્યવાદ..
