
ચાર દિશાઓ ઊંચકી ચાલો, છોડી દીધો દેશ,
શત શત ઘાવે વ્હેરાયાં ત્યાં ધાર્યો ધોળો વેશ –
તોય હવે આ ધામ ?
રામ, કહો, ક્યાં રામ ?
પાંપણને પગથાર હજીયે સુનકારો ફગફગતો,
ચોક વચાળે લંબી તાણી, મુંઝારો ટળવળતો
કોણ રમે આ આટાપાટા ? રહું હવે ના શેષ
ચાર દિશાઓ ઊંચકી ચાલો, છોડી દીધો દેશ
ક્યાંય હવે છે ધામ ?
રામ, હવે તો રામ.
ચલ રે મનવા, ચકરાવાને છોડી ઊડીએ દૂર,
પડછાયાના લશ્કર દોડે થઈને ગાંડાતૂર
તગતગતાં અંધારા મેલી કરીએ તેજ પ્રવેશ
શત શત ઘાવે વ્હેરાયાં ત્યાં ધાર્યો ધોળો વેશ
હવે કશું ના કામ
રામ, હવે ભૈ રામ !
~ રન્નાદે શાહ
આ જ સંસાર છે, જે એક દિવસ પ્રતીતિ કરાવે જ કે ‘હવે કશું ના કામ’ એટલે તો એને અસાર કહ્યો છે. અલબત્ત એ કશાકની પ્રાપ્તિ તરફ લઈ જાય છે એવુંય નથી. કેમ કે ‘તેજ પ્રવેશ’ સહેલો નથી. વળી એના માટે જાગૃતિ બહુ વહેલી આવી જવી જોઈએ. એ ભાગ્યેજ જોવા મળતી બાબત છે. સાચા સંતોએ સિદ્ધ કરેલી બાબત છે. બાકી ઘાવો ઝીલવા, દુખી થવું ને ફરી એમાં જ પ્રવૃત્ત થવું એ સામાન્ય માનવીની નિયતિ.
એક જાણીતી ભગવી ફિલોસોફીને લઈને રચાયેલું કાવ્ય પણ રજૂઆત સાવ નવી, સ્પર્શી જાય એવી. જુઓ આ અનન્ય ત્રણ પ્રયોગો – ‘રામ, કહો, ક્યાં રામ ?’, ‘રામ, હવે તો રામ’, ‘રામ, હવે ભૈ રામ !’
*****
રન્નાદે શાહ ~ પૂળો મૂક્યો
સંબંધોના ચાસ ઉપર લે પૂળો મૂક્યો
ચકરભમર આ શ્વાસ ઉપર લે પૂળો મૂક્યો
ચારે પગમાં બાંધી જળને દોડે છે એ, દોડે છે એ, દોડે છે : છો દોડે
ચરણ પીગળી રેત સોંસરા પીગળે છે એ, પીગળે છે એ, પીગળે છે : છો પીગળે
મૃગ-મૃગના ભાસ ઉપર લે પૂળો મૂક્યો
તરસ-તરસના માસ ઉપર લે પૂળો મૂક્યો
બંધ નગરની રોજ વધે છે, રોજ વધે છે, રોજ વધે દીવાલો
બહાર, નગરની બહાર, નગરની બહાર, એકલા સાવ એકલા ચાલો
નગર-નગર આ ખાસ ઉપર લે પૂળો મૂક્યો
ખાલીખમ આવાસ ઉપર લે પૂળો મૂક્યો
~ રન્નાદે શાહ
એક બાજુ કવિ કહે છે, ‘લે પૂળો મૂક્યો’ અર્થાત પૂરું કર્યું, પૂર્ણવિરામ મૂક્યું. તો તરત અંતરામાં ‘દોડે છે’નો ચાર વાર પ્રયોગ ભાવકને અનવરત ગતિમાં મૂકી દે છે ! એવું જ બીજા અંતરામાં. આ બે ક્રિયાનું જકસ્ટાપોઝ કાવ્યત્વને અલગ જ આયામ આપે છે અને કવિતા નીખરી ઊઠે છે. આખું ગીત જીવનની ફિલોસોફી લઈને વહે છે, સ્વત્વના સમંદરમાં શ્વસે છે, વાત ગૂઢ રીતે કહેવામાં આવી છે એ એની બીજી વિશેષતા. તો લયનું લાલિત્ય સુંદર જળવાયું છે એ ત્રીજી….

રામ હવે ક્યાં રામ? સ્થળ વિશેષ અને એના મહિમા ગાનમાં આંસુ અંચળો છોડ્યા પછી પણ સાચી પ્રાપ્તિ તો બહુ દૂર છે! એક એવો સુખનો પ્રદેશ એક ઈચ્છિત પરમ શાંતિનું ધામ મેળવ્યા પછી બધી એષણાઓ શમી જાય છે.અહીં રામના સંદર્ભો અલગ અલગ ભાવનું ઇજન કરે છે.એ ગીતનો આગવો વિશેષ છે.
આભાર ભાઈ
બન્ને કાવ્યો ખુબ સરસ જીવન ની ફિલસૂફી કોઈ ને સમજાય તેમ નથી પ્રણામ બહેન આભાર લતાબેન
બંને ગીતો તાજગીસભર પ્રતીતિ.રામ અહીં જુદા જ છે.ઘાસનો પુળો પણ નવતર રૂપે આવે છે.
વાહ, બંને કાવ્યોનું ભાવ વિષ્વ ખૂબ જ માર્મિક, અને આપનો આસ્વાદ પણ સરસ છે.
આભાર મેવાડાજી – લતા હિરાણી
આભાર ભાઈ આસ્વાદ માટે લતાબેન,તમારો આભાર.
આનંદ આનંદ રન્નાદેજી