એક સપનું સાવ બોગસ નીકળ્યું,
એ પછી આંસુય ચોરસ નીકળ્યું.
કેમ આ દરિયો અચાનક ઊછળે?
આંખનું જળ એમ ધસમસ નીકળ્યું.
શૂન્યતા મહેમાન થઈ આવી ચડી,
કાગડાનું વેણ ફારસ નીકળ્યું.
ના કદી એણે મને દર્પણ ધર્યું,
એક જણ નખશિખ સાલસ નીકળ્યું.
પાન સાથે બિંબ પણ એનું ખર્યું,
વૃક્ષનું સાક્ષાત્ વારસ નીકળ્યું.
એક ટીપાંએ ભરી મુઠ્ઠી હવાની,
એ નર્યું જળકૃત સાહસ નીકળ્યું.
એમના સ્વરમાં જ સાંભળવું હતું,
ગીત એનું દોસ્ત, કોરસ નીકળ્યું.
– રક્ષા શુકલ
રક્ષાબહેનની ગીતો પર હથોટી છે અને આ ગઝલ પણ જુઓ… લગભગ બધાં જ શેર શેરીયતથી ભરપૂર… ‘એક જણ નખશીખ સાલસ નીકળ્યું’ – શેર કવિનો આયનો છે. પોઝિટીવીટીથી ભરપૂર પ્રકૃતિ ધરાવતા કવિની પોતાની સાલસતા અહીં પ્રતિબિંબાય છે. તો પરપોટાને દર્શાવવા પાણીના ટીપાને હવાને મુઠ્ઠી ભરતું દર્શાવવું એમાં કાવ્યાત્મકતા કેવી ઊઘડે છે !
