વિપુલ માંગરોળિયા ‘વેદાંત’ ~ ઈર્ષાથી સળગે છે

ઈર્ષાથી સળગે છે આખો,
કોઈ તો માણસને ઠારો.

શેકાયો ખુદની ગરમીથી,
સૂરજને વાદળ ઓઢાડો.

કરવી છે સાચ્ચે સેવા તો,
ઘરડાઘરને તાળાં મારો.

આપણને બાકોરું લાગે,
પંખીનો થાશે ત્યાં માળો.

ભીંતોનો તો દોષ જ ક્યાં છે,
આરોપી છે મનનો ગાળો.

ખરતા તારે સૌ કોઈ ધારે,
ધારું હું ને ખરશે તારો.

દિલ તો એની સાથે ચાલ્યું,
નજરુંને તો પાછી વાળો.

~ વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

વાત ભલે એની એ પણ પહેલો શેર એ જુદી અદાથી લઈને આવ્યો છે. એવું જ કંઈક છેલ્લા શેરનું. સૌથી વધારે ગમી ગયો, ‘આપણને બાકોરું લાગે, પંખીનો થાશે ત્યાં માળો’ કેવી સલૂકાઈથી આવી સરસ વાત કહેવાઈ છે. આ વાતમાં નિરીક્ષણ અને પંખી માટેનો પ્રેમ બંને સમાયા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top