રાધેશ્યામ શર્મા – પર્ણમર્મર

તારીખિયાનું એક પત્તું

ઝૂલતા કૅલેન્ડરની મૂંગી પ્રતિમામાંથી

હવાલહેર ઊંચું કરે

વાયુલહેર નીચું કરે,

તો ઇતિહાસની અટ્ટાલિકાઓમાંથી

સોનેમઢી દંતરેખમાંથી થોડુંક

સુવર્ણ અગોચર ક્ષેત્રે ખરે છે.

કાગળના એક જ પાનનો ફરફરાટ

ભૂગોળનાં મહાલયોના ઝુમ્મરના પ્રસરાવે ચરચરાટ

શી ખબર નક્ષત્રો નહિ ખરતાં હોય

આ પર્ણમર્મરધ્વનિથી ?

આ વર્ણચામરધ્વનિ?

બોલવાની અહીં જરૂર નથી

ડોલવાની અહીં ના નથી

મોં ખોલવાની ‘હા’ નથી?

મૂલ્યો જોખવાની ના નથી!

કૅલેન્ડર અહીં વીતરાગ છે

પાનું ફાટે ના – ફાટ વિગતરાગ છે

પણ પત્તું અચૂક ફાટે છે

ત્યારે નવાંકુર અગમમાં ફૂટે છે!

~ રાધેશ્યામ શર્મા

કવિના જન્મદિને સ્મૃતિવંદના

ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, પત્રકાર.

ગ્રામજીવન તેમજ નગરજીવનનો અનુભવ, અંદર-બહાર જોતી-નીરખતી સૂક્ષ્મ દૃષ્ટિ, મનોવિજ્ઞાનની સૂઝ, મનુષ્યની આંતર-બાહ્ય તાણને, મનુષ્યના આંતરસંચલનોને રૂપક-કલ્પન-પ્રતીક દ્વારા રજૂ કરવાનો કસબ. અરૂઢ ગદ્યકવિતા, આધુનિક કૃતિઓના આસ્વાદ-વિવેચન આદિ દ્વારા તેમણે આધુનિક સાહિત્યમાં પોતાનો અવાજ સ્થાપિત કર્યો છે.

આંસુ અને ચાંદરણું’(1963)માં કલ્પન-પ્રતીકના સંયોજનવાળાં આધુનિક ગદ્યકાવ્યો છે. ‘નૅગેટિવ્ઝ ઑવ્ ઇટરનિટી’ (1974) એમનાં અંગ્રેજી કાવ્યોનો સંગ્રહ છે. ‘સંચેતના’ (1983) વિષયવૈવિધ્ય ધરાવતાં છંદમુક્ત કાવ્યોનો સંગ્રહ છે.

‘ફેરો’ એમની જાણીતી લઘુનવલ છે. આ ઉપરાંત ટૂંકી વાર્તાઓના અને વિવેચનોના, અનુવાદના એમના અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે.

સાક્ષરનો સાક્ષાત્કાર’ – દસ ગ્રંથોમાં (2004 સુધીમાં) આશરે સાડા ચારસો લેખકો-પત્રકારો-કળાકારોનાં જીવન-કવનને વણી લેતા ઇન્ટરવ્યૂ છે.

કવિને 1995માં ‘ધનજી કાનજી સુવર્ણચંદ્રક’ * 2012માં  ‘કુમાર સુવર્ણચંદ્રક’ * 2004માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયાં હતાં.  

માતા-પિતા : સીતારામ અને ચંચલબેન

જીવનસાથી : શારદાબહેન

વતન : ઉત્તર ગુજરાતનું રૂપાલ  

9 સપ્ટેમ્બર 2021ના રોજ એમનું અવસાન થયું.

સૌજન્ય ‘ગુજરાતી વિશ્વકોશ’ અને ગુજરાતી વિકિપીડિયા  (ટૂંકાવીને) 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

7 thoughts on “રાધેશ્યામ શર્મા – પર્ણમર્મર”

  1. ઉમેશ જોષી

    કવિ રાધેશ્યામ શર્માને જન્મ દિવસની સ્મરણ વંદના.

  2. કવિના જન્મદિવસ નિમિત્તે એમને વંદન. લતાબહેને એમનો સરસ પરિચય કરાવીને આમને ઉપકૃત કર્યા છે.ધન્યવાદ.

  3. કવિ રાધેશ્યામ શર્મા ના જન્મદિને સ્મૃતિવંદના, ‘સાક્ષરનો સાક્ષાત્કાર’ – ૨૬ માં હું પણ છું,

  4. હરીશ દાસાણી.મુંબઈ

    તારીખીયું સમયનું છડીદાર. ઇતિહાસ તારીખોને સાચવે છે. પણ એ પોતે કેટલો નિર્મમ!

Scroll to Top