અગન રાજ્યગુરુ ~ બે ગઝલ

🥀 🥀

છે આગવું જીવન ને અફસોસ આગવા છે.
હર સ્મિતમાં રુદન છે, હર આંખમાં વ્યથા છે.

માથે છે આભ ને આ કદમો તળે ધરા છે,
જીવવાનું તોયે એવું જાણે મજા મજા છે!

લંબાય છે આ રસ્તો પગલાંની સાથે સાથે;
જોવામાં એમ લાગે મંઝિલ બે હાથ-વા છે.

જોયું ભીતર તો ઘરનાં ચારે ખૂણા છે સરખા;
ને બારણે લખેલું શુભ-લાભ-શ્રીસવા છે.

એવું નથી કોઈ જે આવીને હાથ ઝાલે;
પડતા હો તો નિહાળે એવાં ઘણાં બધા છે!

જૂનાં થશે પછી તો આદત બનાવી લઈશું;
તકલીફ છે કે હમણાં ઝખ્મો નવાં-નવાં છે!

વિચારશો ‘અગન’ તો અર્થો અપાર મળશે;
ખાલી ગઝલ નથી આ પીડાના તરજુમા છે!

 ~ ‘અગન’ રાજ્યગુરુ

પ્રથમ શેરની પીડા બીજા જ શેરમાં પોઝિટીવીટીના પ્રાણ રેડે છે. પગલાંની સાથે સાથે રસ્તો લંબાવાની વાત મજાની પણ ‘મંઝિલ બે હાથ-વા’માં ‘હાથ-વા’ શબ્દ પ્રાસ તો પેટાવે છે અને એક નવીન આભા રેડે છે.  

‘જૂનાં થશે પછી તો….’ શેર ખૂબ ગમ્યો.  

******

એવી જ ખૂબ મજાની બીજી ગઝલ

એમ શમણાં આંખમાં અટકી ગયાં,
શ્વાસ જાણે શ્વાસમાં અટકી ગયા.

સાથમાં ચાલી શકાયું હોત પણ;
વાતમાં ને વાતમાં અટકી ગયા.

એક ઝટકે જીભ પર આવ્યા હતા;
શબ્દ સઘળા બાદમાં અટકી ગયા

હું સતત ચાલ્યાં કર્યો છું એ રીતે:
જેમ કે પગ રાહમાં અટકી ગયા.

આયનો ફૂટી ગયો તરડ્યા પછી;
બિંબ કિન્તુ કાચમાં અટકી ગયાં

ઠીક છે છોડો બધા એ વાયદા;
એ કહો, કઈ વાતમાં અટકી ગયા?

આંખથી ઓઝલ થયેલાં વાદળાં;
કયાંક તારી યાદમાં અટકી ગયાં.

ઝાંઝવાઓ જોઇને લાગ્યું ‘અગન’
કે અમે પણ પ્યાસમાં અટકી ગયા.

~ ‘અગન’ રાજ્યગુરુ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

10 thoughts on “અગન રાજ્યગુરુ ~ બે ગઝલ”

  1. નવાનવા કવિ મિત્રો ના કાવ્યો ને કાવ્યવિશ્ર્વ મા સ્થાન મળે છે તે આનંદ ની વાત છે કવિ શ્રી ની બન્ને રચના ઓ ખુબ માણવા લાયક

  2. રેખાબેન ભટ્ટ

    અગન રાજગુરુની ગઝલ ખૂબ ગમી જાય એવી… ઘાવ હજુ નવા છે… વાહ… 💐💐💐

  3. ઉમેશ જોષી

    અગન રાજયગુરુની બન્ને ગઝલને વધાવું છું.

  4. હરીશ દાસાણી.મુંબઈ

    બંને ગઝલોમાં પ્રવાહિતા,શેરીયત અને વિવિધ અભિવ્યકિત મુદ્રાઓ ગમે તેવી છે.

  5. સૌ મિત્રોએ કહ્યું એમ બંને ગઝલ આગવો મિજાજ ધરાવે છે.

  6. અગન રાજ્યગુરુ

    શ્રી લતાબેન અને સૌ મિત્રો,વડીલોનો આભાર🙏

  7. kishor Barot

    અગન રાજ્યગુરૂની ગઝલ અભિવ્યક્તિ ઉજળી આશા જન્માવે છે.
    શુભકામનાઓ. 🌹

Scroll to Top