જિજ્ઞા ત્રિવેદી – લઈ નમક * Jigna Trivedi

લઈ નમક જેવા સ્મરણ અડશો નહીં,
ઝખ્મ છે તાજા અરે ખણશો નહીં.

આગમાં હોમાય છે ઘી એ રીતે,
સ્વપ્ન હોમે કોઈ તો બળશો નહીં.

આમ જો સંતાઇ જાશો જાતથી,
તો પછી ખુદનેય તે જડશો નહીં.

છે બહારોએ દીધાં સોગંધ કે –
તાજગીના પર્ણ છો, ખરશો નહીં.

કોઈ આવીને સતત હોવાપણું –
ઘૂમરાવે તોય ખળભળશો નહીં.

જાળવી બેલેન્સ થોડું ના શકો,
એટલા ઊંચે કદી ચડશો નહીં.

સૂર્યએ નોટિસ કાઢીને કહ્યું –                                                                                  
કે સમય પ્હેલા કદી ઢળશો નહીં.

ઝૂકવાનો અર્થ ના સમજી શકે,
એમની સામે કદી નમશો નહીં.

~ જિજ્ઞા ત્રિવેદી

ત્રીજા અને ચોથા શેરમાં આત્મવિશ્વાસ જાળવવાની વાત સરસ રીતે આવી છે.  પાંચમો અને સાતમો શેર એ જ વાતને દૃઢાવે છે. સરસ ગઝલ 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

7 thoughts on “જિજ્ઞા ત્રિવેદી – લઈ નમક * Jigna Trivedi”

  1. સૂર્યની નૉટિસની વાતમાં દમ છે. ગઝલનો અંદાજ પોતીકો લાગ્યો.અભિનંદન.

  2. ઉમેશ જોષી

    જિજ્ઞાબેન ત્રિવેદીની રોચક ગઝલ છે.
    અભિનંદન.

Scroll to Top