મીરા આસિફ * Mira Asif

🥀🥀

આંખને આકાશ આપી ક્યાં જશો ?
શ્વાસ વચ્ચે સૂર્ય સ્થાપી ક્યાં જશો ?

જિંદગી તો એક ક્ષણનું નામ છે;
આયખાના ઘાવ માપી ક્યાં જશો ?

રક્તમાં આપ જ બધે પડઘાવ છો;
ને રગોમાં રોજ વ્યાપી ક્યાં જશો ?

એક અફવા છે સમયના નામની;
અધવચાળે એને કાપી ક્યાં જશો ?

હું પડ્યો છું પાંખમાં ફફડાટ લૈ;
આપ ઊડી, પંથ કાપી ક્યાં જશો ?

જાવ છો તો એ બતાવી જાવ સ્હેજ;
શબ્દ ‘આસિફ’નો ઉથાપી ક્યાં જશો ?

~ મીરા આસિફ

પ્રણયભાવની અભિવ્યક્તિ. શેરોના કલ્પનો સુંદર છે. જવાબો મૌનમાં જ પલટાય એવા સવાલો પાયાના છે, 
સરળતાનું સૌંદર્ય હોય છે તો અહીં અર્થગંભીરતા પણ અપીલ કરી જાય છે.

કવિના જન્મદિને સ્મૃતિવંદના

સાભાર કાવ્યસંગ્રહ : મીરા આસિફની ગઝલો સં. ડો. પથિક પરમાર

🥀🥀

શ્વેત કબૂતર કાળું લાગે !
મન કેવું નખરાળું લાગે !

ફૂટેલા આ દર્પણમાં પણ,
બિંબ મને રૂપાળું લાગે !

કોની યાદ વસી છે મનમાં,
ઘરમાં કાં અજવાળું લાગે !

માણસ છે પણ માણસ ક્યાં છે,
સ્વાર્થ સભર કુંડાળું લાગે !

ચોખ્ખે ચોખ્ખી ભીંત અચાનક,
કરોળિયાનું જાળું લાગે !

આજ કશું ના બોલે આસિફ,
હૈયે હોઠે તાળું લાગે !

~ મીરા આસિફ

🥀🥀

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “મીરા આસિફ * Mira Asif”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    ચેતનપ્રવાહનો ઉત્સાહ અને ઉત્સવ લઈ આવતી રચના

Scroll to Top